વડોદરાના વોર્ડ નંબર 13 માં ડ્રેનેજ ચોકઅપની ગંભીર સમસ્યા
- પાણી ઉભરાઈને લોકોના ઘરમાં આવવા લાગ્યા
- પાણીજન્ય રોગચાળાની ભીતિ
વડોદરા,તા.17 ફેબ્રુઆરી 2024,શનિવાર
વડોદરા શહેરની મધ્યમાં આવેલ વહીવટી વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ રાજસ્તંભ સોસાયટીમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ડ્રેનેજ ઉભરાવવાની ફરિયાદો દિવસે ને દિવસે વધતી જ થતો જાય છે. આ સોસાયટીમાં બ્લોક નં.145 થી 163 સુધીમાં રહેતા નાગરિકોની હાલત ખુબજ કફોડી બની ગયેલ છે. આમાંથી ચાર બ્લોકમાં મહિલાઓ કમળો ઝાડા સહિતની બીમારી લાગુ પડી ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા કામ ચલાવ સફાઈ કરી છે પણ ત્યારબાદ આ ડ્રેનેજ લાઈનો ફરી પુનઃ ભરાઈ જાય છે અને હવે તો નાગરિકોના ઘરોની અંદર ડ્રેનેજના મલિન પાણી આવી રહેલ છે. જો આ પાણી પીવાના પાણીની સાથે ભળી જાય તો આ સોસાયટી અને તેની આજુબાજુની સોસાયટીઓમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તો ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે આવો ભય વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે વ્યક્ત કરીને કોર્પોરેશનમાં પત્ર લખીને જાણ કરી છે કે સમસ્યા તાત્કાલિક ઉકેલવી જોઈએ. મહાનગરપાલિકાની વડી કચેરીની નજીક જ આવેલ આ સોસાયટીના પ્રશ્નોનો કાયમી નિકાલ ન કરનારના જવાબદારો સામે પગલાં લેવા માંગ કરીને સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.