વડોદરા જિ.પંચાયતની પ્રાથમિક સ્કૂલોના બદલી થઇને આવેલા 100થી વધુ શિક્ષકોના હુકમોમાં છબરડા
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની પ્રાથમિક સ્કૂલોમાં જિલ્લા વિભાજનને કારણે બહારના જિલ્લામાંથી બદલી થઇને આવેલા શિક્ષકોના હુકમોમાં ભૂલ હોવાને કારણે સુધારો નહિં થતાં તેમનામાં રોષની લાગણી વ્યાપી છે.
વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાનું વિભાજન થતાં કેટલાક શિક્ષકો વડોદરા જિલ્લામાં બદલી થઇને આવ્યા છે.આ શિક્ષકોને જિલ્લામાં હાજર થવાનું હોય છે અને તેના હુકમને આધારે તાલુકામાં અને પછી સ્કૂલમાં હાજર થવાનું હોય છે.જેની સર્વિસ બુકમાં નોંધ કરવામાં આવતી હોયછે.
પરંતુ વડોદરા જિલ્લામાં આવેલા ૧૦૦ થી વધુ શિક્ષકોના બદલીના હુકમો ભૂલ ભરેલા હોવાથી તેની સર્વિસ બુકમાં નોંધ થતી નથી.આ ઓર્ડરો સુધારવા માટે શિક્ષકો વારંવાર ધક્કા ખાય છે.આ પૈકી કેટલાક હુકમો સુધારવા માટે મોકલવામાં આવ્યા છે.પરંતુ સુધારેલા હુકમો હજી મળતા નથી.
સર્વિસબુકમાં નોંધ નહિં થતી હોવાને કારણે તાજેતરમાં જિલ્લા ફેર બદલીના અરસપરસ બદલી કેમ્પના ફોર્મમાં સહિ સિક્કા થઇ શકતા નથી.જ્યારે આવા સંજોગોમાં કોઇ શિક્ષકનું આકસ્મિક મોત થાય તો ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે તેમ હોય છે. જેથી આ મુદ્દે વડોદરા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે.એક સિનિયર ક્લાર્ક ઉપરી અધિકારીને ગેરમાર્ગે દોરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેની સામે તપાસની માંગણી કરવામાં આવી છે.