ભરૃચના વાલિયા જિલ્લામાંથી પકડાયેલા એફિડ્રીનના કેસમાં સી.આઇ.ડી.ની ગંભીર ભૂલ
સી.આઇ.ડી. ની અજ્ઞાાનતા છતી થયા પછી કોર્ટમાં સાચી કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી
વડોદરા,ભરૃચના વાલિયા જિલ્લામાં અમદાવાદ સીઆઇડી ક્રાઇમે ત્રણ મહિના પહેલા દરોડો પાડીને દવા બનાવવામાં વપરાતા ૭.૬૦ લાખનો એફિડ્રીનનો જથ્થો ઝડપી પાડયો હતો. તે કેસમાં સી.આઇ.ડી. ક્રાઇમે કલમ લગાવવામાં કરેલી ભૂલ આરાપીની જામીન અરજી સમયે વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરીને જણાવતા સી.આઇ.ડી. ક્રાઇમની કાયદાની અજ્ઞાાનતા છતી થઇ છે.
ત્રણ મહિના પહેલા વાલિયાની હરિનગર સોસાયટીમાં રહેતા રાકેશ જેનુભાઇ વસાવાની ત્યાં સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગરની ટીમે રેઇડ પાડીને દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એફિડ્રીનનો ૩.૮૦૦ કિલોનો જથ્થો કિંમત રૃપિયા ૭.૬૦ લાખનો કબજે કર્યો હતો. આ કેસમાં સી.આઇ.ડી. ક્રાઇમે એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮ (સી), ૨૧, ૨૧ (સી) તથા ૨૯ મુજબ ગુનો તા.૦૨- ૧૧ - ૨૦૨૩ ના રોજ દાખલ કર્યો હતો. ત્યારબાદ સી.આઇ.ડી.ક્રાઇમ વડોદરા ઝોન દ્વારા તેની તપાસ શરૃ કરવામાં આવી હતી. પોલીસે કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.
ત્યારબાદ આરોપીઓ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. જેમાં આરોપીના વકીલ એમ.એચ.શેખે અદાલતનું ધ્યાન દોરી રજૂઆત કરી હતી કે, એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮ (સી), ૨૧, ૨૧ (સી) તથા ૨૯ મુજબનો કોઇ પ્રથમદર્શનીય પુરાવો નથી. એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૨૧ માં જણાવેલ ડ્રગ્સ મળી આવેલ નથી. કલમ ૮૩ અન્વયે દર્શાવવામાં આવેલા શિડયૂલમાં પણ એફિડ્રીનનો સમાવેશ થતો નથી. એફિડ્રીનનો નાર્કોટિક્સ ડ્રગ્સ કે સાયકોટ્રોપિક સબસ્ટન્સમાં સમાવેશ થતો નથી. એફિડ્રીન કંટ્રોલ સબસ્ટન્સ છે. જેનો એન.ડી.પી.એસ. એક્ટની કલમ - ૨૫ ( એ) અન્વયે સમાવેશ થાય છે.
સી.આઇ.ડી.ને ભૂલની જાણ થતા તપાસ અધિકારીએ એફ.આઇ.આર.માં દર્શાવેલી કલમ હેઠળ નહીં પણ એન.ડી.પી.એસ. ની કલમ ૨૫ ( એ ), ૨૯ તથા આઇ.પી.સી. ૩૮૧ મુજબ ચાર્જશીટ રજૂ કરી હતી.
એફિડ્રીનને કોમર્શિયલ ક્વોન્ટિટી ગણી શકાય નહીં
વડોદરા,એફિડ્રીન કંટ્રોલ સબસ્ટન્સ છે. જેનો એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૨૫ (એ) અન્વયે સમાવેશ થાય છે. જેને એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૨ માં વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ ( રેગ્યુલેશન ઓફ કંટ્રોલ સબસ્ટંસિસ) ઓર્ડર ઃ ૨૦૧૩ ના સેક્શન - ૧૩ (૨) ના શિડયૂલ એ ની આઇટમ નંબર - ૪ માં એફિડ્રીનને કંટ્રોલ સબસ્ટન્સ તરીકે સામેલ કરેલ છે. જેના કારણે પકડાયેલ પદાર્થને કોમર્શિયલ ક્વોન્ટિટી ગણી શકાય નહીં.
એફિડ્રીનનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે
વડોદરા,વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કલમ ૨૩ ( એ ) માં સજાની જોગવાઇ મહત્તમ ૧૦ વર્ષની છે. જ્યારે કલમ ૨૧ ( સી) માં સજાની જોગવાઇ ૧૦ વર્ષથી લઇને આજીવન કેદ સુધીની છે. એફિડ્રીનનો ઉપયોગ દવાઓ બનાવવા તથા અન્ય ઘણી બધી ન્યુટ્રલ પ્રોડક્ટ બનાવવામાં થાય છે. જેથી, તેને નાર્કોટિક્સ ડ્રગ્સ કે સાયકોટ્રોપિક સબસ્ટન્સ માની શકાય નહીં.
તપાસ દરમિયાન જાણ થતા કલમ સુધારીને ચાર્જશીટ કરી
વડોદરા, આ અંગે સી.આઇ.ડી.ક્રાઇમના તપાસ અધિકારી એચ.એમ.ચૌહાણે જણાવ્યું હતું કે, અમારી પાસે ફરિયાદ કલમ લખાઇને જ આવી હતી. તપાસ દરમિયાન આ અંગેની જાણ થતા જ અમે કાર્યવાહી શરૃ કરી હતી. તેથી જ તે કલમ હેઠળ ચાર્જશીટ કરી નથી. માત્ર કલમ ૨૫ ( એ ), ૨૯ તથા આઇ.પી.સી. ૩૮૧ હેઠળ ચાર્જશીટ કરી છે.