સિનિયર સિટિઝન NRI એ નોકરીના નામે અલકાપુરીના મકાનમાં 16વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
સિનિયર સિટિઝન NRI એ નોકરીના નામે અલકાપુરીના મકાનમાં 16વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો 1 - image

વડોદરાઃ વડોદરા આવેલા એક સિનિયર સિટિઝન એનઆરઆઇએ સુરતના રિક્ષાચાલકની ૧૬ વર્ષીય પુત્રીને નોકરીની વાત કરવા માટે  બોલાવ્યા બાદ અલકાપુરીના મકાનમાં બળાત્કાર ગુજારતાં પીડિતાના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.જેને પગલે સયાજીગંજ પોલીસે એનઆરઆઇની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

સુરતના આધેડવયના રિક્ષાચાલકે પોલીસને કહ્યું છે કે,હાલમાં હું બીજી પત્ની સાથે રહું છું અને પહેલી પત્નીની પુત્રી પણ મારી સાથે રહે છે.ગઈ તા ૧૧મી ડિસેમ્બરે હું મારી બીજી પત્નીને લેવા માટે બહારગામ ગયો હતો અને તા.૧૨મી એ પરત આવ્યો ત્યારે મારી પુત્રી ઘરમાં હાજર નહતી.

જેથી મેં મારી પુત્રીને ફોન કરતાં તેણે રસ્તામાં છું અને થોડીવારમાં પહોંચું છું તેવો જવાબ આપ્યો હતો. ત્યારબાદ તે ઘેર આવી ત્યારે મેંં કડકાઇથી પૂછતાં તેણે બધી હકિકત વર્ણવી હતી.

      મારી પુત્રીએ નોકરી માટે બહેનપણી મારફતે વડોદરાના એનઆરઆઇ જયેશ પટેલનો પરિચય કરાવતાં તેને મળવા તે વડોદરા આવી હતી.જે દરમિયાન જયેશ પટેલ તેને અલકાપુરીના અનુપમનગરના મકાને લઇ ગયો હતો અને ત્યાં રાત રાખી બળાત્કાર ગુજાર્યો હતો.ઇન્ચાર્જ પીઆઇ એમ આર સંગાડાએ કહ્યંુ હતું કે,જયેશ પટેલ સગીરાને લેવા માટે સ્ટેશને ગયો હતો અને બળાત્કાર બાદ તેને સ્ટેશને છોડી આવ્યો હતો.પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી જયેશ મુકુંદભાઇ પટેલ(શાસ્ત્રી નગર,નિઝામપુરા)ને ઝડપી પાડયો હતો.તેને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

યુએસ થી આવેલા એનઆરઆઇએ ત્રણ દિવસમાં જ કાંડ કર્યું

સગીર કન્યા પર બળાત્કારના આરોપમાં પકડાયેલો એનઆરઆઇ ત્રણ દિવસ પહેલાં જ પત્ની સાથે વડોદરા આવ્યો હોવાની વિગતો બહાર આવી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમેરિકાના ઓહાયો ખાતે રહેતો જયેશ પટેલ એક મોટેલમાં ભાગીદાર હોવાનું કહી રહ્યો છે.

ગઇ તા.૯મીએ જ તે વડોદરા આવ્યો  હોવાની વિગતો જાણવા મળી છે.તેણે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી લેતાં અને મેડિકલ ટેસ્ટ પણ થઇ જતાં પોલીસે રિમાન્ડ લીધા નહતા.

સુરતની સગીરાને બહેનપણીએ કહ્યું, જયેશભાઇ તને મદદ કરશે

પીડિતાને વડોદરાના એનઆરઆઇનો સંપર્ક કરાવનાર અમદાવાદની બહેનપણીની પણ પોલીસ પૂછપરછ કરનાર છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,સુરતની પીડિતા એનઆરઆઇના સંપર્કમાં કેવી રીતે આવી તેની તપાસ કરતાં અમદાવાદની એક બહેનપણીનું નામ બહાર આવ્યું છે.

આ બહેનપણીને નોકરી માટે વાત કરતાં તેણે વડોદરાના એનઆરઆઇ જયેશ પટેલનો સંપર્ક કરાવ્યો હતો.જેથી પીડિતા તેના પિતા બહારગામ ગયા તે દિવસે ઘેરથી નીકળી ટ્રેનમાં વડોદરા આવી હતી.

કારેલીબાગમાં વૃધ્ધ એનઆરઆઇની હનીટ્રેપનો કિસ્સો ચર્ચામાં રહ્યો હતો

કારેલીબાગ વિસ્તારમાં તાજેતરમાં ટિફિન આપવા ગયેલી એક મહિલા પર એનઆરઆઇએ બળાત્કારગુજાર્યો હોવાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો.સમગ્ર  બનાવની તપાસ ડીસીપી પન્ના મોમાયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.જેમાં હનીટ્રેપ હોવાની શક્યતાને સમર્થન મળતા કારણ મળી આવ્યા હતા.

સયાજીગંજમાં સિનિયર સિટિઝનને હની ટ્રેપમાં લેનાર ગેંગ પકડાઇ હતી

સયાજીગંજ વિસ્તારમાં છ મહિના પહેલાં કામવાળી બાઇએ પહેલા જ દિવસે સિનિયર સિટિઝન સમક્ષ અર્ધનગ્ન થઇ હતી અને સિનિયર સિટિઝન કાંઇ સમજે તે પહેલાં જ તેના સાગરીતોએ ધસી આવી સિનિયર સિટિઝનને દમદાટી આપી રૃપિયા પડાવ્યા હતા.તેમણે વધુ રૃપિયાની માંગણી કરતાં પોલીસ  ફરિયાદ થઇ હતી.જેથી પોલીસે હનીટ્રેપ કરનાર ગેંગને ઝડપી પાડી હતી.

ઓનલાઇન ભાડે મકાન લીધું,મકાન માલિકનું નિવેેદન લેવાશે

નિઝામપુરામાં રહેતા એનઆરઆઇ જયેશ પટેલે અલકાપુરીના અનુપમનગરમાં ભાડે મકાન લીધું હોવાની વિગતો બહાર આવી છે.કેટલાક મકાન માલિક તેમના મકાન ટુરિસ્ટો માટે આપતા હોવાથી જયેશ પટેલે ઓનલાઇન સર્ચ કરી મકાન ભાડે લીધું હતું.જેથી પોલીસ મકાન માલિકની પૂછપરછ કરનાર છે.


Google NewsGoogle News