મુંબઇની કંપનીમાં ઉંચા વળતરની લાલચે ૩૫લાખ ગુમાવતા સિનિયર સિટિઝન
કંપની અને તેના સ્ટાફ સામે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ ગુના દાખલ થયા છે
વડોદરા,મુંબઇની કંપનીની લોભામણી ઓફરમાં ફસાઇને સિનિયર સિટિઝને ૩૫ લાખ ગુમાવ્યા હતા.જે અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કંપની વિરૃદ્ધ દેશના અન્ય રાજ્યોમાં પણ ફરિયાદો થઇ હોવાનું જાણવા મળ્યું છે.
નારાયણ ગાર્ડન રોડ યોગીરાજ રેસિડેન્સીમાં રહેતા ૮૩ વર્ષના ઇશ્વરભાઇ છોટાભાઇ પટેલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૨ માં મારા મિત્ર બલરામ ધોત્રેએ જણાવ્યું હતું કે, એ.એસ.સી.એગ્રો એક્વા કંપની (ઠે. ક્વોટેમ હીરાનંદાની એસ્ટેટ પાટલીવાડા ઘોડબંદર થાણે, મુંબઇ) માં મેં રોકાણ કર્યુ છે. દર મહિને ૪.૧૫ ટકા વ્યાજ સાથે ૭૨ મહિનામાં વ્યાજ સહિત રકમ પરત ચૂકવે છે. મને રસ જાગતા મેં કંપનીના ડાયરેક્ટરનો સંપર્ક કર્યો હતો. તેઓએ મને કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વર્ટીકલ ફાર્માગન ફિસરીઝનો ધંધો કરે છે. તેના માટે ઓછામાં ઓછા પાંચ લાખ કે વધુ રકમ દર મહિને ૪.૧૫ ટકાના હિસાબે ૭૨ મહિનામાં મૂડી પરત કરવામાં આવે છે. અમે રોકાણ કરવાનું કહેતા તેમણે કંપનીનું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કંપની વતી સંદેશ ગણપતભાઇ ખામકારે નોટરી રૃબરૃ સિક્કા મારી અમારા ઘરના સરનામે મોકલી આપ્યો હતો. મેં, મારી પત્ની તથા દીકરીએ સહીઓ કરી નોટરાઇઝ કરાવી કંપનીને પરત મોકલી આપ્યો હતો. મેં મારા એકાઉન્ટમાંથી ૨૦ લાખ, મારા પત્ની માલતીબેનના નામે ૧૦ લાખ તથા મારી દીકરી જેતલબેનના નામે પાંચ લાખ રૃપિયા કંપનીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ કંપની તરફથી ટેક્સ કાપી ૧.૩૩ લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ કોઇ રૃપિયા ચૂકવવામાં આવ્યા નહતા. કંપનીમાં ફોન અને મેસેજ કરતા કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં કંપનીની આર્થિક પરિસ્થિતિ સારી નથી. તમને તમારો હપ્તો મળી જશે. તેવી વાતો કરી સમય પસાર કરતા હતા. ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે, કંપની તથા ડાયરેક્ટરો તેમજ સ્ટાફ વિરૃદ્ધમાં કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાં કેસ ચાલે છે.