ગરબે ઘૂમતા ૬૨ વર્ષના સિનિયર સિટિઝનને એટેક આવતા મોત

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
ગરબે ઘૂમતા ૬૨ વર્ષના સિનિયર સિટિઝનને એટેક આવતા મોત 1 - image

વડોદરાઃ હરણી મોટનાથ મહાદેવ મંદિર રોડ પર રહેતા ૬૨ વર્ષના સિનિયર સિટિઝનને ગરબા રમતા જ એટેક આવતા તેઓ ઢળી પડયા હતા. ગરબાના શોખીન સિનિયર સિટિઝનના મોતના પગલે સોસાયટીના  રહીશોમાં શોક ફેલાઇ  ગયો હતો.

હરણી મોટનાથ મહાદેવ મંદિર રોડ પર મુખ્યમંત્રી આવાસ યોજનાના સંસ્કૃતિ ફ્લેટમાં રહેતા ૬૨ વર્ષના શંકરભાઇ બચુભાઇ રાણા નિવૃત્ત જીવન ગુજારે છે.  તેઓને ગરબા અત્યંત પ્રિય હતા. સોસાયટીમાં યોજાયેલા ગરબાના આયોજનમાં પણ તેઓ આગળ પડતી કામગીરી કરતા હતા.ગઇકાલે તેઓ પત્ની તારાબેન સાથે ગરબા રમતા હતા. થોડીવાર પછી તેઓને તબિયત ઠીક નહીં લાગતા તેઓ ખુરશીમાં બેસી ગયા હતા. ત્યારબાદ ગરબાની રમઝટ જામતા ગરબા રમતા અન્ય લોકોએ શંકરભાઇને બૂમ  પાડીને બોલાવ્યા હતા. અને તેઓ પણ ઉભા થઇને ગરબા રમવા લાગ્યા હતા. લગભગ અડધો રાઉન્ડ પૂરો થતા જ તેઓ ઢળી પડયા હતા. તેમની જોડે ગરબા રમતા લોકો પણ કંઇ સમજી શક્યા નહતા. ગરબા બંધ કરીને તેઓ શંકરભાઇને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેઓને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. શંકરભાઇને હાર્ટ એટેક આવ્યો હોવાનું તેમના સ્વજનોએ જણાવ્યું હતું. સોસાયટીના દરેક કાર્યક્રમમાં આગળ પડતી કામગીરી કરતા શંકરભાઇના મોતના પગલે ગમગીની  ફેલાઇ ગઇ હતી.


Google NewsGoogle News