ખુલ્લી ડ્રેનેજમાં પડી જવાથી સિનિયર સિટિઝનનું મોત
મોતનું કારણ જાણવા માટે પોલીસે પેનલ પી.એમ. કરાવ્યું
વડોદરા,કોયલી ગામની ખુલ્લી ડ્રેનેજમાં પડી જવાથી ૬૯ વર્ષના સિનિયર સિટિઝનનું મોત થયું હતું. જે અંગે જવાહર નગર પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોયલી ગંગા નગર સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષના મહેશભાઇ મગનભાઇનો મૃતદેહ ગઇકાલે સાંજે સાડા ચાર વાગ્યે રિફાઇનરી રોડની બહાર આવેલ બાપા સીતારામ સોડા શોપની પાછળ આવેલી ડ્રેનેજમાંથી મળી આવ્યો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા જવાહનગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને મૃતદેહને પેનલ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રેનેજના પાણીના કારણે મહેશભાઇનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, હત્યા થઇ છે. આ અંગે ગૂમ થયાની જાણ પોલીસ સ્ટેશનમાં કરી હતી.