ડ્રગ્સ વેચનારાઓ વિદ્યાર્થીઓેને બંધાણી બનાવવા માટે પહેલા મફતમાં ડ્રગ્સ આપે છે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલના આરટી હોલમાં ડ્રગ્સ એબ્યુઝ વિષય પર એક સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વડોદરા પોલીસના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
વિદ્યાર્થીઓ ડ્રગ્સની બદીનો શિકાર ના બને તે માટે આ સેમિનારનુ આયોજન કરાયુ હતુ.જેમાં વડોદરાના એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓએ વિદ્યાર્થીઓને જાણકારી પણ પૂરી પાડી હતી.તેમણે ચેતવણી આપતા કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને બંધાણી બનાવવા માટે ડ્રગ્સનો વેપલો કરનારા પહેલા મફત ડ્રગ્સ પુરુ પાડે છે અને બાદમાં તેમની પાસેથી પૈસા ખંખેરે છે.જો પૈસા ના હોય તો વિદ્યાર્થીઓને ડ્રગ્સ પૂરુ પાડવાના બદલામાં તેમની પાસે ડ્રગ્સની હેર ફેર પણ કરાવે છે.
ડ્રગ્સ માનસિક અને શારીરિક રીતે કઈ હદે નુકસાનકારક છે તેની જાણકારી પણ આપવામાં આવી હતી.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘણી વખત વિદ્યાર્થીઓ રોમાંચ અને મજા માટે દેખાદેખીમાં ડ્રગ્સનો ઉપયોગ કરે છે અને પછી ડ્રગ્સના રવાડે ચઢી જાય છે.કેટલીક વખત વિદ્યાર્થીઓને ખાવા પીવાની વસ્તુઓમાં પણ ડ્રગ્સ નાંખીને આપવામાં આવે છે.જેથી વિદ્યાર્થીઓ તે જ જગ્યાએ ફરી-ફરી જાય.પોલીસ દ્વારા છાશવારે આ બાબતને ધ્યાનમાં રાખીને ખાવા પીવાની વસ્તુઓનુ ચેકિંગ પણ કરવામાં આવતુ હોય છે.
હોસ્ટેલ સત્તાધીશો દ્વારા ડ્રગ્સ અવેરનેસ અંગે આગામી દિવસોમાં ગર્લ્સ હોસ્ટેલમાં પણ આ પ્રકારનો એક સેમિનાર યોજવામાં આવશે.