Get The App

હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે સ્વામી પૂ.પ્રેમસ્વરૃપદાસજીની પસંદગી

પ્રેમસ્વરૃદાસજીના નેતૃત્વમાં પૂ. ત્યાગવલ્લભ,પૂ.પ્રબોધજીવન અને પૂ.સંતવલ્લભ સ્વામી યોગી ડિવાઇન સોસાયટીનું સંચાલન કરશે

Updated: Aug 1st, 2021


Google NewsGoogle News
હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે સ્વામી પૂ.પ્રેમસ્વરૃપદાસજીની પસંદગી 1 - image


વડોદરા : સોખડા-હરિધામ મંદિર સહિત આત્મીય સમાજ અને આત્મીય યુનિવર્સિટીનું મળભૂત સંચાલન યોગી ડિવાઇન સોસાયટી દ્વારા કરવામાં આવે છે. યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક-પરમાધ્યક્ષ પૂ.હરિપ્રસાદ સ્વામીનો દેહ આજે પંચમહાભૂતમા વિલિન થઇ ગયો. તા.૨૬ જુલાઇ ૨૦૨૧ના રોજ તેઓ અક્ષરધામવાસી થયા ત્યારથી તેમના ઉત્તરાધિકારી કોણ તે અંગે અનેક અટકળો ચાલતી હતી એ અટકળોનો પણ આજે અંત આવી ગયો હતો.

હરિપ્રસાદ સ્વામીજીનો દેહ અગ્નિને સમર્પિત થયા બાદ અનુપમ મિશનના અધ્યક્ષ પૂ.સાહેબજીએ જાહેરાત કરી હતી કે પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ હંમેશા સૌની પાસે સુહૃદયભાવથી જીવવાનો આગ્રહ રાખ્યો છે. એ અનુવૃત્તિ પ્રમાણે યોગી ડિવાઇન સોસાયટીની જવાબદારી પૂ.પ્રેમસ્વરૃપ સ્વામીના નેતૃત્વમાં પૂ. ત્યાગવલ્લભ સ્વામી અને પૂ.પ્રબોધજીવન સ્વામી ઉપરાંત પૂ.સંતવલ્લભસ્વામી, અશોકભાઇ સેક્રેટરી અને વિઠ્ઠલદાસ પટેલને સોંપવામાં આવે છે.

આ પ્રસંગે યોગી ડિવાઇન સોસાયટી વતી ત્યાગવલ્લભ સ્વામીએ સર્વનો આભાર માનતા કહ્યું હતું કે 'પૂ.સ્વામીજીના અચાનક અક્ષરવાસથી ઊભી થયેલી વજ્રઘાત સમી પરિસ્થિતિમાં હૂંફ અને લાગણી પ્રદર્શિત કરનાર તમામના આભાર છે હવે આપણે સ્વામીજીના આશીર્વાદથી શરૃ થયેલા તમામ કાર્યોને આગળ વધારવાના છે.

પૂ.હરિપ્રસાદ સ્વામીજી સાથે જ પ્રેમસ્વરૃપ સ્વામીએ યોગીજી મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી

સોખડા હરિધામ મંદિરના કોઠારી સ્વામી પૂ.પ્રેમસ્વરૃપ દાસજીની પૂ.હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી તરીકે વરણી થઇ છે. પ્રેમસ્વરૃપ સ્વામી ૭૫ વર્ષની ઉમરના છે. 

પ્રેમસ્વરૃપ સ્વામી ૭૫ વર્ષના છે અને મૂળ ધર્મજના વતની છે, અત્યાર સુધી તેઓ હરિધામના કોઠારી સ્વામી હતા

ગોંડલ ખાતે ૧૦ ઓગસ્ટ ૧૯૬૫માં યોગીજી મહારાજે પૂ.હરિપ્રસાદ સ્વામીજી અને પ્રેમસ્વરૃપ સ્વામીજીને સાથે જ દીક્ષા આપી હતી ત્યારથી એટલે કે છેલ્લા ૫૬ વર્ષથી પ્રેમસ્વરૃપ સ્વામી હરિપ્રસાદજી સાથે સંકળાયેલા છે. તેઓ મુળ ધર્મજના વતની છે અને તેમનું સંસારીક નામ પ્રફુલભાઇ હતુ. તેઓએ વલ્લભ વિદ્યાનગરથી કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હતો. અઢી વર્ષથી તેઓ હરિધામ મંદિરના કોઠારી સ્વામી તરીકે સેવા આપી રહ્યા હતા તે અગાઉ તેઓ અમેરિકા, કેનેડા અને સુરતના સંઘની જવાબદારી સંભાળતા હતા.

સ્વામીજી જેવા સત્પુરૃષ ક્યારેય વિદાય લઇ શકે જ નહી : પ્રેમસ્વરૃપ સ્વામી

હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી તરીકે હવે પછી યોગી ડિવાઇન સોસાયટીનું નેતૃત્વ સંભાળનાર પ્રેેમસ્વરૃપ સ્વામીજીએ કહ્યું હતું કે 'પૂ.હરિપ્રસાદ સ્વામીજીની પરંપરા અનુસાર તમામ લોકો સાથે સદ્ભાવના રાખીને આગળ વધવા મારો તમામ ભક્તોને અનુરોધ છે. સ્વામીજી જેવા ભગવાનના ધારક સત્પુરૃષ ક્યારેય વિદાય લઇ શકે જ નહી એ આપણી સાથે જ રહેવાના છે. સ્વામીજી અંતરધ્યાન થયાના આગલા દિવસે પણ અંતેવાસી સેવકાનેેે 'હું સૌની સાથે જ રહેવાનો છુ' એવા કૃપાવચન કહ્યાં હતા. મને હરિપ્રસાદ સ્વામીજીની સાથે જ દીક્ષા લેવાનું અને તેઓશ્રીની આજ્ઞાામાં છ દાયકા સુધી રહેવાનું મળ્યુ તે સૌભાગ્ય છે.


Google NewsGoogle News