MSU ક્રિકેટની માઠી દશા, ક્રિકેટ ટીમની પસંદગી પણ હજી થઈ નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી દ્વારા બરોડા ક્રિકેટ એસોસિએશન સાથેનુ એમઓયુ રીન્યૂ કરવા માટેનો ઈનકાર કરવામાં આવ્યા બાદ યુનિવર્સિટીના ક્રિકેટની માઠી દશા બેઠી છે.
એમઓયુ આગળ નહીં વધારવા માંગતી યુનિવર્સિટી પાસે ઉભરતા ક્રિકેટરો માટે પોતાની આગવી કોઈ વ્યવસ્થા હોય તેમ લાગી રહ્યુ નથી.બીસીએ સાથેની બેઠકમાં યુનિવર્સિટી સત્તાધીશોએ યુનિવર્સિટીના ડી એન હોલ ગ્રાઉન્ડ ફરતે સ્ટેડિયમ બનાવી આપવાની માંગણી મુકી હતી.સ્વાભાવિક રીતે બીસીએ સત્તાધીશો આ પ્રકારની માંગણી મંજૂર રાખી નહોતી અને તેના કારણે એમઓયુ રીન્યૂ થયુ નહોતુ.
એ પછી ડી એન હોલ ક્રિકેટ મેદાનની જાળવણી પર પણ સવાલો ઉઠયા હતા.હાલમાં ક્રિકેટ સિઝન શરુ થઈ ગઈ છે પણ આ મેદાનની પીચ હજી પણ તૈયાર નથી.બીજી તરફ યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનુ સિલેક્શન પણ નહીં થયુ હોવાની વિગતો સપાટી પર આવી છે.સામાન્ય રીતે ઓકટોબર નવેમ્બર મહિનામાં ટીમનુ સિલેક્શન થઈ જતુ હોય છે.જેથી પસંદ થયેલા ખેલાડીઓને ટુર્નામેન્ટમાં રમતા પહેલા પ્રેક્ટિસ કરવાનો પૂરતો સમય મળે પણ આ વખતે ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો પરંતુ હજી સિલેક્શનની તારીખો સુધ્ધા જાહેર થઈ નથી.
યુનિવર્સિટીની ટીમ માટે ઈન્ટરન યુનિવર્સિટી ટુર્નામેન્ટ સૌથી મહત્વની હોય છે.આ ટુર્નામેન્ટની તારીખો હજી જાહેર નથી થઈ પણ જો આગામી દિવસોમાં તેનુ શિડયુલ જાહેર થશે તો યુનિવર્સિટીના ક્રિકેટરોને પ્રેક્ટિસ માટે કેટલો સમય મળશે તે પણ એક સવાલ છે.સામાન્ય રીતે ટીમ પસંદગી બાદ ખેલાડીઓ ડી એન હોલ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા હોય છે પણ આ વખતે તો ક્રિકેટ પીચ જ તૈયાર નહીં થઈ હોવાથી ટીમમાં પસંદ થયેલા ખેલાડીઓને પ્રેક્ટિસના પણ ફાંફા પડશે. ખેલાડીઓને પેવેલિયન મેદાન ખાતે તૈયાર કરવામાં આવેલી પીચ પર અથવા બીજી કોઈ જગ્યાએ પ્રેક્ટિસ કરવાનો વારો આવી શકે છે.