જમીન સંપાદનના વળતર પહેલા ખેડૂતો પાસેથી લખાણ માગતા ઊહાપોહ
આર્બિટ્રેશનના હુકમ સામે કેસ દાખલ નહીં કરવા અને કોર્ટમાંથી દાવો પરત ખેંચી લેવા ભરૃચ જિલ્લાના ખેડૂતોને નોટિસો
વડોદરા,એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ભરૃચ જિલ્લાના ખેડૂતોને આર્બિટ્રેશનના હુકમ સામે કેસ દાખલ નહીં કરવાની સંમતિ આપવા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી દાવો પરત ખેંચી લે તેવું સોગંદનામું આપે તો વળતરની રકમ ચૂકવાશે, તે મુજબ સક્ષમ અધિકારી દ્વારા નોટિસો અપાઈ હોવાથી ખેડૂતોમાં ઊહાપોહ જોવા મળી રહ્યો છે.
એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના કહેવા મુજબ હાલમાં ભરૃચ જિલ્લાના આર્બિટ્રેટર ધ્વારા વડોદરા - મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર ભરૃચ અને આમોદના ખેડૂતોના એવોર્ડ કરવામાં આવેલ છે. જેમાં વળતરની રકમ નેશનલ હાઈવે ઓથોરીટી ધ્વારા ખાસ જમીન સંપાદન અધિકારી, નાયબ કલેકટર - અંકલેશ્વર સમક્ષ જમા કરાવેલી છે. આર્બિટ્રેટરના હુકમ સામે ભરૃચ અને આમોદ તાલુકાના જે ખેડૂતોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસો દાખલ કરેલ છે, તેઓને વળતર માટે નોટિસો મોકલવામાં આવી છે. કાયદા મુજબ ખેડૂતોને ઓછું વળતર મળે તો તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આર્બિટ્રેટરના હુકમ સામે કેસ દાખલ કરી શકે છે. દરમિયાન નેશનલ હાઈવે ઓથોરીટી, ખાસ જમીન સંપાદન અધિકારીને તેમજ આર્બિટ્રેટરને નોટિસો બજાવી દેવામાં આવી હોવા છતાં કોઈ જવાબ કોર્ટમાં આપવામાં આવતો નથી. ૯૦ દિવસની સમય મર્યાદામાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીએ વળતરની રકમ જમા કરાવેલી નથી.
હાલમાં ખેડૂતોને નોટિસ આપીને આર્બિટ્રેશનના હુકમ સામે સક્ષમ કોર્ટમાં દાવો દાખલ કરેલ હોય તો સક્ષમ કોર્ટમાં સમાધાન બાબતે દાવો પરત ખેંચ્યા બાબતની પુરસીસ સહિત સ્ટેમ્પ પેપર ઉપર નોટરી સમક્ષ સોગંદનામુ અને ભવિષ્યમાં કોઈ દાવો દાખલ કરશે નહી તે બાબતે સ્ટેમ્પ પેપર ઉપર નોટરી સમક્ષ સોગંદનામુ રજૂ કરવા કહ્યું છે. ઈતિહાસમાં આજ સુધી કોઈ અધિકારીએ આ પ્રકારનું લખાણ વળતર ચૂકવતી વખતે ખેડૂતો પાસે માંગેલું નથી. જો ખેડૂતોને ઓછુ વળતર મળે તેની સામે કોર્ટમાં જવાનો હક્ક છીનવી લેવા માટેનો આ પ્રયાસ છે.