દાયકાઓથી વડોદરાની ઓળખ બનેલા ગેંડા સર્કલના ગેંડાને પુનઃસ્થાપિત કરવા માગ
ઓનલાઇન પિટિશન સાઇન કરીને વડોદરાના કલાકારોએ માગ કરી કે ફાયબરનો ગેંડો હટાવીને ગેંડાનું કલાત્મક શિલ્પ ફરીથી મુકવામાં આવે
વડોદરા : વડોદરાને 'કલાનગરી' બનાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડને જાય છે. જો કે તેમના પછી પણ વડોદરાની પ્રખ્યાત કલા સંસ્થા ફાઇન આર્ટસ ફેકલ્ટી અને તેના પ્રતિભાશાળી કલાકારોના કારણે કલાવારસો જળવાઇ રહ્યો છે. તેનું એક ઉદાહરણ વડોદરાના ટ્રાફિક સર્કલો છે. વિશ્વના જૂજ શહેરોમાં વડોદરા એક છે કે જ્યાં ટ્રાફિક સર્કલ જેવા જાહેર સ્થળો પણ કલાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ અને મૂલ્યવાન કહી શકાય તેવા શિલ્પ અને સ્થાપત્યો મૂકવામાં આવ્યા હતા. જો કે તેને હટાવીને હવે ફાઇબરના પૂતળા મૂકવાની કામગીરી કરાઇ રહી છે, જેનાથી વડોદરાના કલાવારસાને નુકસાન થઇ રહ્યું છે, તેવા મત સાથે વડોદરાના કલાકારો સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઓનલાઇન પિટિશન કરી છે.
જાહેર સ્થળોએ સ્થાપિત કલાત્મક શિલ્પોના મૂલ્યાંકન અને જાળવણી માટે કલાકારો અને નિષ્ણાતોની સમિતિ બનાવો
વડોદરાના ટ્રાફિક સર્કલ દાયકાઓથી તેના કલાત્મક શિલ્પોના કારણે ઓળખ બનેલા છે.આવનારી પેઢીઓ સુધી તે સચવાઇ રહે તે માટે જે તે સ્થાન પરથી હટાવવામાં આવેલા શિલ્પો અને કલાકૃતિઓની પુનઃ સ્થાપના થાય અને તે શિલ્પોની યોગ્ય જાળવણી પણ થાય. આ પ્રકારની વ્યવસ્થા કરીને વડોદરા મહાનગરપાલિકા કલા પ્રત્યે તેનું વલણ પણ જાહેર કરી શક્શે.