બોડેલીની નકલી સિંચાઇ કચેરીના કૌભાંડના માસ્ટરમાઇન્ડ અબુબકરના વડોદરા સ્થિત ઘરે અને ઓફિસમાં પોલીસની સર્ચ
અબુબકરના તાંદલજા ખાતેના ઘરેથી અને સુભાનપુરાની ઓફિસમાંથી સંખ્યાબંધ દસ્તાવેજો મળ્યા, કોમ્પ્યૂટર સહિતના સાધનો કબજે કરાયા ઃ સંદિપના ઘેર પણ પોલીસ પહોંચી
નસવાડી તા.૨૯ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે નકલી સિંચાઇ કચેરી ખોલી રૃા.૪.૧૫ કરોડથી વધુ રકમનું કૌભાંડ કરનાર બંને આરોપીઓને તપાસ માટે વડોદરા ખાતે લઈ જઇ પોલીસે તપાસ કરી હતી. માસ્ટરમાઇન્ડ ગણાતા અબુબકરના તાંદલજા વિસ્તારમાં આવેલ ઘરે તેમજ સુભાનપુરામાં આવેલી ઓફિસમાં સર્ચ કરી મોટી સંખ્યામાં દસ્તાવેજો કબજે કર્યા હતાં. સંદીપ રાજપૂતના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીના ઘરેથી કોમ્પ્યુટર,લેપટોપ હાર્ડડીશ સહિત વસ્તુઓ કબ્જે લેવામાં આવી હતી.
બોડેલીના એક કોમ્પ્લેક્સમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ઊભી કરીને રૃા.૪ કરોડથી વધુ રકમની ગ્રાન્ટ આરોગી જનાર અબુબકર અને તેનો સાથીદાર સંદિપ રાજપૂતના ૧૨ દિવસના રિમાન્ડ છોટાઉદેપુર પોલીસે મેળવ્યા હતાં. પોલીસ રિમાન્ડના ત્રીજા દિવસે પોલીસ વડોદરા ખાતે તાંદલજા વિસ્તારમાં આવેલા અબુબકરના ઘરે તપાસ માટે તેને લઈને પહોંચી હતી તેનું ઘર વૈભવી હતું જ્યારે ઘરમાંથી પોલીસને નકલી કચેરીના કાગળો હાથ લાગ્યા છે અને ત્યારબાદ સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઓફિસમાં પણ દરોડા પાડયા હતાં.
તાંદલજા ખાતે પોલીસની પાંચ કલાક સુધી ચાલેલી સર્ચ બાદ પોલીસે કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર અને હાર્ડડીશ મળતા કબજે કર્યા હતાં. છોટાઉદેપુર પોલીસ સાથે એસઓજી પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરીમાં કૌભાંડનો માસ્ટરમાઈન્ડ અબુબકર વડોદરાથી છેલ્લા ૯ વર્ષથી પ્રાયોજના વહીવટદારની કચેરીમાં નિયમિત આવતો હતો અને અધિકારીઓ સાથે સારા સબંધો હતા શરૃઆતમાં અબુબકર કૂવા બનાવવાનું કામ કરતો હતો ત્યારબાદ સંદિપ રાજપૂત સાથે મળી નકલી ઓફિસ બનાવી રૃા.૪.૧૫કરોડનું કૌભાંડ કર્યું હતું.