Get The App

યુનિ.સત્તાધીશોએ નવા વીસીની પસંદગી માટેની સર્ચ કમિટિ હજી બનાવી નથી

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
યુનિ.સત્તાધીશોએ નવા વીસીની પસંદગી માટેની સર્ચ કમિટિ હજી બનાવી નથી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવની ટર્મ પૂરી થવાના આડે ચાર જ મહિના બાકી છે પરંતુ યુનિવર્સિટી સત્તાધીશોએ હજી સુધી નવા વાઈસ ચાન્સેલરની નિમણૂક માટેની સર્ચ કમિટિ બનાવી નથી.

રાજ્ય સરકારના નવા કોમન યુનિવર્સિટી એકટ પ્રમાણે તો સર્ચ કમિટિ બનાવવાની પ્રક્રિયા ૬ મહિના પહેલાથી શરુ કરી દેવાની હોય છે.આ સર્ચ કમિટિમાં ત્રણ સભ્યોની નિમણૂંક થતી હોય છે.જેમાં શૈક્ષણિક કે વહીવટી ક્ષેત્રના એક જાણીતા વ્યક્તિની નિમણૂંક રાજ્ય સરકાર દ્વારા કરે છે.એક સભ્યની નિમણૂંક યુનિવર્સિટીની એક્ઝિકયુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડમિક કાઉન્સિલ દ્વારા સંયુક્ત રીતે થાય છે.અન્ય એક સભ્ય યુજીસીના પ્રતિનિધિ હોય છે.રજિસ્ટ્રાર સર્ચ કમિટિમાં મેમ્બર સેક્રેટરી હોય છે.રાજ્ય સરકારના પ્રતિનિધિ સર્ચ કમિટિના ચેરમેન હોય છે.

સર્ચ કમિટિ દ્વારા રાજ્ય સરકારને વાઈસ ચાન્સેલર માટે ત્રણ નામોની ભલાણ કરવામાં આવે છે.જેમાંથી રાજ્ય સરકાર વાઈસ ચાન્સેલર તરીકે એક નામની પસંદગી કરે છે.

જોકે યુનિવર્સિટી સત્તાધીશોએ આ કમિટિ બનાવવાની પ્રક્રિયા જ શરુ કરી નથી.જ્યારે કોમન એકટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, સર્ચ કમિટિ બનાવવાની પ્રક્રિયા ૬ મહિના પહેલા શરુ થવી જોઈએ અને વાઈસ ચાન્સેલરની પસંદગીની પ્રક્રિયા વર્તમાન વાઈસ ચાન્સેલરની ટર્મ પૂરી થાય તેના એક મહિના પહેલા પૂરી થઈ જવી જોઈએ.

આ સંજોગોમાં તો યુનિવર્સિટી દ્વારા જે પણ સર્ચ કમિટિ બનાવવામાં આવશે તેની પાસે નવા વાઈસ ચાન્સેલરની પસંદગી માટે વધારે સમય પણ નહીં રહે.સર્ચ કમિટિ અંગે જાણકારી માટે રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાનો સંપર્ક થઈ શક્યો નહોતો.


Google NewsGoogle News