મણિપુરના વિદ્યાર્થીએ સ્કલ્પચર થકી રાજ્યમાં થયેલી હિંસાને વાચા આપી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પરીક્ષાના ભાગરુપે બનાવેલી વિવિધ કલાકૃતિઓના બે દિવસના વાર્ષિક પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો હતો.જેમાં સાંપ્રત સમાજમાં બનતી ઘટનાઓને વાચા આપતી કલાકૃતિઓ વિદ્યાર્થીઓએ બનાવીને રજૂ કરી છે.
જેમ કે ફાઈન આર્ટસ ફેકલ્ટીના સ્કલ્પ્ચર વિભાગમાં અભ્યાસ કરતા મણીપુરના વિદ્યાર્થીએ મણિપુરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી હિંસાની વ્યથાને પોતાના શિલ્પો થકી દર્શાવી છે.દેવ દાસ નામનો આ વિદ્યાર્થી મણિપુરની રાજધાની ઈમ્ફાલથી ૪૫ કિલોમીટર દૂર આવેલા નાના ગામડામાં રહે છે.તેણે ખેતી માટે વપરાતા પાવડામાં હાથાની જગ્યાએ પેન્સિલ નાંખેલુ શિલ્પ બનાવ્યુ છે.તેનુ કહેવુ હતુ કે, મારા પિતાની ખેતી હિંસાના કારણે લગભગ અટકી ગઈ છે.કૃષિ ઉપજ વેચવા માટે માર્કેટ નથી ખુલી રહ્યુ.બીજી તરફ ખેતી કરવા માટે ખાતર જેવી વસ્તુઓ પણ નથી મળી રહી.મને અભ્યાસ માટે પૈસા મોકલવામાં પણ તેમને મુશ્કેલી નડી રહી છે.અત્યારે ચૂંટણીના કારણે હિંસા અટકી ગઈ છે પણ હજીય ભારેલા અગ્નિ જેવી સ્થિતિ યથાવત છે.સાથે સાથે મણિપુરની હિંસામાં એક મહિલાને નગ્ન કરીને તેની પરેડ કરાવાઈ હતી.આ ઘટનાનો તેણે સ્કલ્પચર બનાવીને વિરોધ નોંધાવ્યો છે.દેવ દાસનુ કહેવુ છે કે, કોઈ પણ હિંસાનો ભોગ મહિલાઓ બને છે.મણિપુરની હિંસાએ મહિલાઓના આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે.
ફાઈન આર્ટસના પેઈન્ટિંગ વિભાગમાં અભ્યાસ કરતા શ્રીલંકાના વિદ્યાર્થી અવિન્દા ફર્નાન્ડોએ બે વર્ષ પહેલા શ્રીલંકાએ દેવાળુ ફૂંક્યુ ત્યારે સર્જાયેલી અરાજકતાની સ્થિતિને પોતાના પેઈન્ટિંગમાં દર્શાવી છે.તેનુ કહેવુ હતુ કે, આજે પણ શ્રીલંકામાં સ્થિતિ એટલી સારી નથી.મારા માતા પિતાને અન્યત્ર સ્થળાંતર કરવુ પડયુ છે.હું પોતે છેલ્લા ચાર વર્ષથી ઘરે જઈ શક્યો નથી.
ૅજાન્યુઆરી મહિનામાં તામિલનાડુમાં હાથીનુ બચ્ચુ તેની માતાથી વિખૂટુ પડી ગયુ હતુ અને જંગલ ખાતાના સ્ટાફે ભારે જહેમત બાદ માતા અને બાળકનુ મિલન કરાવ્યુ હતુ.આ દ્રશ્યને સ્કલ્પચર વિભાગના સ્ટુડન્ટે પોતાના સ્કલ્પચર થકી દર્શાવ્યુ છે.