પાંચ મહિના બાદ વડોદરામાં સ્કૂલોએ આરટીઈ હેઠળના એડમિશનોની ચકાસણી શરુ કરી
વડોદરાઃ આરટીઈ(રાઈટ ટૂ એજ્યુકેશન)હેઠળ ધો.૧માં અપાયેલા પ્રવેશના લગભગ પાંચ મહિના બાદ હવે વડોદરામાં સ્કૂલોએ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની આવકની ચકાસણી શરુ કરી હોવાનુ જાણવા મળ્યુ છે.જોકે ડીઈઓ કચેરી સમક્ષ એક પણ સ્કૂલે હજી સુધી કોઈ શંકાસ્પદ પ્રવેશ અંગે રિપોર્ટ આપ્યો નથી.
ડીઈઓ કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળી વેકેશન પહેલા શિક્ષણ વિભાગના આદેશના આધારે વડોદરાની સ્કૂલોને પણ આરટીઈ હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના ઘરની આવકની ચકાસણી કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.જોકે હજી સુધી કોઈ સ્કૂલે ખોટી આવક દર્શાવીને પ્રવેશ લીધો હોય તેવા કોઈ કિસ્સા અંગે જાણકારી પૂરી પાડી નથી.દિવાળી વેકેશન બાદ સ્કૂલો દ્વારા ચકાસણી શરુ કરવામાં આવે અને એકાદ મહિનામાં સ્કૂલો આવા કોઈ કિસ્સા ધ્યાનમાં આવ્યા હોય તો જાણકારી પૂરી પાડશે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં મોટાભાગની સ્કૂલોએ આરટીઈ હેઠળના પ્રવેસની ચકાસણી પૂરી કરી લીધી છે.છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં આરટીઈ હેઠળ ખોટી આવક દર્શાવીને પ્રવેશ લેવાના ૩૦૦ કરતા વધારે મામલા સામે આવ્યા હતા.વડોદરાની વાત કરવામાં આવે તો ડીઈઓ કચેરીના સૂત્રોનુ કહેવુ છે કે, સ્કૂલો દ્વારા ચકાસણી શરુ કરવામાં આવે એ પછી ખોટી આવક દર્શાવનારા વાલીઓ પૈકી મોટાભાગના સામે ચાલીને પ્રવેશ રદ કરાવવા માટે કચેરીનો સંપર્ક કરતા હોય છે.ગત વર્ષે આવા ૪૫ પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા.
સૂત્રોનુ એમ પણ કહેવુ છે કે, આ વર્ષથી પ્રવેશ માટેના દસ્તાવેજોમાં આવકના દાખલાની સાથે સાથે આઈટી રિટર્ન પણ સામેલ કરવામાં આવ્યુ હોવાથી આવકના ખોટા આંકડા દર્શાવીને પ્રવેશ લેનારા કિસ્સા ઘટે તેવી શક્યતા છે.