હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટના 7 લાખનો સામાન ચોરીનો ભેદ ખુલ્યો, સ્ક્રેપનો નામચીન વેપારી પકડાયો
Vadodara Theft Case : અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટમાંથી કિંમતી સામાન ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે સાત લાખના સામાન સાથે નવા યાર્ડના સ્ક્રેપના વેપારીને ઝડપી પાડ્યો છે.
વડોદરામાં ચાલતા હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટની સાઈટ પરથી રૂ.7 લાખ ઉપરાંતની કિંમતના જુદા-જુદા સાધનોની ચોરી થઈ હોવાની વિગતોને પગલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ બનાવની તપાસમાં સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સની મદદથી તપાસ કરતા નવા યાર્ડ વિસ્તારના સ્ક્રેપના વેપારી અહેમદ ખાન ગુલામ ખાન પઠાણ (ગરીબ નવાઝ નગર, નવા યાર્ડ) દ્વારા ચોરી કરાવવામાં આવી હોવાની અને ચોરીનો માલ તેની દુકાનમાં રાખવામાં આવ્યો હોવાની વિગતો મળી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્ક્રેપના વેપારીને પકડવા ગઈ ત્યારે તે ભાગવા જતા તેને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દુકાનમાંથી રેલવે પ્રોજેક્ટનો 7 લાખનો સામાન કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.