ભાયલીમાં ૧૨માં માળેથી ઝંપલાવી સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત
સેન લુકાસ રેસિડેન્સીની લિફ્ટમાં ઉપર જતી વિદ્યાર્થિની સીસીટીવીમાં કેદ ઃ પુત્રીના મોતના સમાચાર સાંભળી માતા બેશુધ્ધ
વડોદરા, તા.9 ભાયલીમાં સેન લુકાસ રેસિડેન્સી નામની સાઇટના ૧૨માં માળેથી મોડી રાત્રે મોતનો ભૂસ્કો મારી શાળામાં અભ્યાસ કરતી સાયન્સની વિદ્યાર્થિનીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે ભાયલીમાં સેન લુકાસ રેસિડેન્સીના ટાવર નીચે મોડી રાત્રે એક અજાણી યુવતીની લાશ પડેલી છે તેની જાણ સિક્યુરિટી ગાર્ડ ભાવેશ કેસરભાઇ પરમારને થતાં તેણે પ્રથમ તેના માલિક અને બાદમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ અને એમ્બ્યૂલન્સ ત્યાં આવી ગઇ હતી. એમ્બ્યૂલન્સના તબીબી કાર્યકરોએ યુવતીને તપાસી તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. યુવતીની ઓળખ શરૃઆતમાં થઇ ન હતી જેથી પોલીસે અજાણી યુવતીના મોત અંગે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન મૃતક યુવતીની લાશ જ્યાંથી મળી તેની નજીક જ આવેલ પેસિફિકા મેડ્રીડ કાઉન્ટી બંગલોઝમાં રહેતા જગદીશભાઇ પટેલની પુત્રી અક્ષી હોવાનું જાણવા મળ્યું હતું. પુત્રીના મોતના સમાચાર સાંભળીને જ માતા બેશુધ્ધ થઇ ગયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવતી ભાયલીરોડ પર આવેલી શાળામાં ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસની સાથે ધો-૧૨ની તૈયારીઓ કરતી હતી. તેના પિતા પોડીચેરી ખાતે અદાણી કંપનીમાં નોકરી કરે છે અને તેઓ દિવાળીમાં ઘેર આવ્યા ત્યારે તેમના પુત્રને સાથે લઇ ગયા હતાં. પુત્રીના મોતના સમાચાર તેમને મળતાં તેઓ પણ પુત્ર સાથે વડોદરા આવવા માટે રવાના થઇ ગયા છે.
પોલીસે કહ્યું હતું કે સીસીટીવી કેમેરાની તપાસ કરતાં સેન લુકાસ રેસિડેન્સીમાં લિફ્ટમાં વિદ્યાર્થિની ઉપર જતી દેખાતી હતી. પોલીસે આજે એફએસએલની પણ મદદ લીધી હતી અને પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થિનીએ લિફ્ટના ૧૨માં માળે ટેરેસ પર પહોંચ્યા બાદ તેણે ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું તેમ જાણવા મળ્યું હતું. તેના માથામાં ગંભીર ઇજા તેમજ હાથ પણ તૂટી ગયેલો જણાયો હતો. જો કે વિદ્યાર્થિનીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજી પણ રહસ્ય છે.