સાયન્સ ફેકલ્ટીમાં પહેલી વખત એફવાયના વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષા લેવાશે

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
સાયન્સ ફેકલ્ટીમાં પહેલી વખત એફવાયના વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષા લેવાશે 1 - image

વડોદરાઃ નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં  પરીક્ષા લેવાની પધ્ધતિમાં પણ ધરમૂળથી ફેરફારો થઈ રહ્યા છે. સાયન્સ ફેકલ્ટી પહેલી વખત એફવાયના વિદ્યાર્થીઓની પણ ઈન્ટરનલ પરીક્ષા લેશે.આવતીકાલ, સોમવારથી વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે.

સાયન્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી એફવાયના વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષા લેવાતી નથી.જોકે નવી શિક્ષણ નીતિની ગાઈડ લાઈન પ્રમાણે હવે સાયન્સમાં પણ એફવાયના વિદ્યાર્થીઓ દરેક સેમેસ્ટરમાં ૨ ઈન્ટરનલ પરીક્ષા આપશે.વિદ્યાર્થીના પરિણામમાં ઈન્ટરનલ પરીક્ષાનુ વેઈટેજ ૫૦ ટકા રહેશે.

કોમર્સ ફેકલ્ટી તો એફવાયના વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણ નીતિ પ્રમાણેનુ નવુ માળખુ પણ જાહેર નથી કરી શકી ત્યારે સાયન્સના સત્તાધીશોએ બંને ઈન્ટરનલ પરીક્ષાનુ ટાઈમ ટેબલ પણ જાહેર કરી દીધુ છે.

ફેકલ્ટી ડીન પ્રો.કટારિયાએ કહ્યુ હતુ કે, પહેલી ઈન્ટરનલ પરીક્ષા ૨૫ માર્કની અને બીજી ઈન્ટરનલ  પરીક્ષા ૨૦ માર્કની રહેશે.જ્યારે પાંચ માર્ક વિદ્યાર્થીની હાજરીના મુકવામાં આવશે.પહેલી ઈન્ટરનલ પરીક્ષા આવતીકાલ, સોમવારથી શરુ થઈ રહી છે.લગભગ ૮૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.સ્કિલ ડેવલપમેન્ટ અને એબિલિટી એન્હાન્સમેન્ટ કેટેગરીમાં જે વિષયો આવે છે તેની પરીક્ષા નહીં લેવાય.બલ્કે આ વિષયોમાં વિદ્યાર્થીઓનુ સતત મૂલ્યાંકન થશે અને તેના આધારે માર્ક આપવામાં આવશે.પરીક્ષામાં એક એક માર્કના સાત, બે માર્કના ત્રણ તથા ચાર માર્કના ત્રણ અથવા ત્રણ માર્કના ચાર પ્રશ્નો પૂછવાનો તમામ વિભાગોેને આદેશ આપવામાં આવ્યો છે.



Google NewsGoogle News