નેટ, સ્લેટ અને ગેટ પરીક્ષા પાસ કરવા ઉમેદવારોને સાયન્સ ફેકલ્ટી તાલીમ આપશે
Ghh
વડોદરાઃ લાઈફ સાયન્સના વિષયોમાં ગુજરાતના મહત્તમ ઉમેદવારો નેટ, સ્લેટ કે ગેટ પરીક્ષા પાસ કરી શકે તે માટે એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી સતત બીજા વર્ષે ૧૦૦ ઉમેદવારોને એક મહિના માટે તાલીમ આપશે.
ગુજરાત સરકારની સંસ્થા ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશને ગત વર્ષથી સાયન્સ ફેકલ્ટીને આ જવાબદારી સોંપી છે.જેના ભાગરુપે ફેકલ્ટી દ્વારા લાઈફ સાયન્સના વિષયો બોટની, ઝૂલોજી, બાયોકમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજીના વિષયોની નેટ, સ્લેટ, ગેટ પરીક્ષા પાસ કરવા માટે એક મહિનાનો ક્રેશ કોર્સ કરાવવામાં આવે છે.
ફેકલ્ટી ડીન પ્રો.કટારિયાનુ કહેવુ છે કે, દર વર્ષે અનુસ્નાતક ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવીને પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે અને તેમાંથી ૧૦૦ વિદ્યાર્થીઓની પસંદગી કરાય છે.આ વર્ષે પણ અમને પ્રવેશ પરીક્ષા માટે ૨૫૦ જેટલી અરજીઓ મળી છે અને પ્રવેશ પરીક્ષા બાદ ૧૦૦ વિદ્યાર્થીઓની પસંદગી કરાશે.આ વિદ્યાર્થીઓને તા.૧૩ મેથી ૧૦ જૂન સુધી તાલીમ આપવામાં આવશે.એક મહિના સુધી તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.ગત વર્ષે પણ ક્રેશ કોર્સમાં અભ્યાસ કરનારા ૭૫ વિદ્યાર્થીઓ પૈકી ૫૭ વિદ્યાર્થીઓ નેટ સહિતની વિવિધ પરીક્ષાઓ પાસ કરવામાં સફળ થયા હતા.આ પરીક્ષાઓ પાસ કરનારા વિદ્યાર્થીઓને અધ્યાપક તરીકે અથવા જૂનિયર રિસર્ચ ફેલો તરીકે પણ કામ કરવાની તક મળતી હોય છે.નેટ જેવી પરીક્ષાઓમાં પાસ થનારાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે આ પહેલ સરકાર દ્વારા કરાઈ છે.સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, અગાઉ ફેકલ્ટી સ્તરે પણ ગણિત વિષયમાં નેટ પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓને અમે તાલીમ આપી હતી અને તેના કારણે સેંકડો વિદ્યાર્થીઓ નેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા.