Get The App

સાયન્સ ફેકલ્ટી દ્વારા વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
સાયન્સ ફેકલ્ટી દ્વારા વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીન જીકાસના નિયમો પ્રમાણે જ પ્રવેશ અપાશે તેવુ રટણ કરીને વડોદરાના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વધારાની ૧૪૦૦ બેઠકો પર તરત જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવાનો ઈનકાર કરી રહ્યા છે ત્યારે સાયન્સ ફેકલ્ટીના ડીને તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરી દીધી છે.

સાયન્સ ફેકલ્ટીએ કરેલી જાહેરાત પ્રમાણે આવતીકાલે, તા.૨૮ના રોજ ધો.૧૨ સાયન્સ પાસ થનારા તમામ વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પર કરેલી એપ્લિકેશન અને દસ્તાવેજો સાથે પ્રવેશ લેવા માટે આવી શકશે.

સવારે ૧૦ થી ૧૧ દરમિયાન ૭૦ ટકાથી વધારે માર્કસ ધરાવતા, સવારે ૧૧ થી ૧૨ દરમિયાન ૫૦ ટકાથી વધારે માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓ અને બપોરે ૧૨ થી ૧ દરમિયાન ૫૦ ટકાથી ઓછા માર્કસવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.પ્રવેશ કાર્યવાહી ફેકલ્ટીના સ્ટેટેસ્ટિક વિભાગમાં થશે.ફેકલ્ટી ડીન પ્રો.કટારિયાએ કહ્યુ હતુ કે, અમારી ૫૦ ટકા જેટલી બેઠકો ખાલી છે ત્યારે વડોદરાનો કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ના રહે તે માટે તાત્કાલિક પ્રવેશ કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વડોદરાની સાથે સાથે બહારગામના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાશે.

આર્ટસના ડીને ફેરવી તોળ્યું

જીકાસને બાયપાસ કરીને એડમિશન આપવાનો ઈન્કાર કરતાં ભારે રોષ

પ્રવેશ લેવા આવેલા ૧૦૦ કરતા વધારે વાલીઓ-વિદ્યાર્થીઓ પાછા ગયા, ડીન ઓફિસ બહાર ભારે હોબાળો 

એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં જ પ્રવેશ આપવાની નીતિને લઈને વિસંગતતા સામે આવી રહી છે.

આર્ટસ ફેકલ્ટી સત્તાધીશોએ જીકાસને બાયપાસ કરીને તા.૨૬ થી ૨૮ની વચ્ચે વેરિફિકેશન ના થયુ હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત  કરી હતી.જેમાં ૬૦ ટકાથી નીચેના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો.જોકે ફેકલ્ટી ડીનને વાઈસ ચાન્સેલરના આદેશથી આ  નિર્ણય પાછો  ખેંચવો પડયો છે.

ફેકલ્ટી ડીને જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે આજે ૬૦ થી ૮૦ ટકાવાળા વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ગયા હતા ત્યારે ડીને કહ્યુ હતુ કે, અમે જીકાસે નક્કી કર્યા પ્રમાણે બીજી પ્રવેશ યાદીમાં જેમના નામ છે તેમને જ પ્રવેશ આપીશું.

ફેકલ્ટી ડીનના નિર્ણય સામે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.કારણકે કેટલાક વાલીઓ તો બહારગામથી આવ્યા હતા. ઓલ સ્ટુડન્ટ યુનિયન સહિતના સંગઠનોના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો પણ ડીન એકના બે થયા નહોતા અને પ્રવેશ માટે આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓને હતાશ થઈને પાછા જવાનો વારો આવ્યો હતો.



Google NewsGoogle News