વધારે ફી લેવા સ્કૂલો લાઈબ્રેરી, લેબોરેટરી જેવી સુવિધાઓનો બમણો ખર્ચ દર્શાવે છે
વડોદરાઃ સ્કૂલોની ફી નક્કી કરવા માટેની વડોદરા ઝોનની એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટિ)ના ચેરમેન સહિતના સભ્યોની ખાલી પડેલી જગ્યાઓ સરકારે મોડે મોડે ભર્યા બાદ હાલમાં સ્કૂલોની ફી નિર્ધારીત કરવાની કવાયત ચાલી રહી છે.જોકે હજી પણ મોટાભાગની સ્કૂલોની ફી નકકી કરવાની બાકી છે ત્યારે વડોદરા વાલી મંડળે આજે એફઆરસીના ચેરમેનને મળીને રજૂઆત કરી હતી.
વડોદરા વાલી મંડળનું કહેવું છે કે, સ્કૂલો હજી પણ નક્કી થયેલી ફી નોટિસ બોર્ડ પર કે વેબસાઈટ પર જાહેર કરવામાં અખાડા કરે છે.ફી જાહેર કરવા માટે સ્કૂલોને ફરજ પાડવામાં આવે.ઉપરાંત કેટલીક સ્કૂલો બે પાળીમાં ચાલે છે અને આવી સ્કૂલો ફી વધારવા માટે લાઈબ્રેરી, લેબોરેટરી , કોમ્પ્યુટર લેબોરેટરી જેવી સુવિધાઓનો ખર્ચ બે પાળીની ગણતરી કરીને ડબલ બતાવે છે.આ સ્કૂલોના ખર્ચની ચકાસણી કરવામાં આવે.
વાલી મંડળે માગ કરી હતી કે, શાળામાં રમતના મેદાન તેમજ રમત ગમતના સાધનોના ખર્ચની પણ ચકાસણી કરવામાં આવે.સ્કૂલો લેટ ફીના નામે વાલીઓ પાસેથી વધારે પૈસા પડાવી રહી છે. શિક્ષકોનો કાગળ પર વધારે પગાર પણ દર્શાવી રહી છે અને કેટલીક સ્કૂલો કન્સેપ્ટ સ્કૂલના નામે વાલીઓ પાસેથી વધારે ફી લઈ રહી છે.
વાલી મંડળના પ્રતિનિધિઓએ જાંબુઆની સેન્ટ બેસિલ સ્કૂલમાં ચાર વર્ષની બાળકીની સતામણીના મામલામાં પણ સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી કરવા ડીઈઓ સમક્ષ રજૂઆત કરી હતી.