સ્કૂલ વર્ધીના વાહનો પર શાળા સંચાલકોનું કોઈ નિયંત્રણ નથી હોતું
વડોદરાઃ રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સરકાર હચમચી ઉઠી છે અને ફાયર સેફટીને લઈને આકરી કાર્યવાહી કરી છે ત્યારે સ્કૂલ વર્ધીના વાહનોમાં વધુ બાળકોને બેસાડવામાં ના આવે તે માટેની જવાબદારી સ્કૂલ સંચાલકોનીર હેશે તેવા સરકારના પરિપત્ર બાદ સ્કૂલ સંચાલકો ભડકી ઉઠયા છે.
આજે વડોદરા શહેર શાળા સંચાલક મંડળે આ મુદ્દે સરકારના શિક્ષણ વિભાગને પત્ર લખીને કહ્યુ છે કે, કોઈ પણ સ્કૂલમાં કેજીથી માંડીને ધો.૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ની સલામતી માટે સ્કૂલ સંચાલકો સ્કૂલના કેમ્પસની અંદર જવાબદાર છે.વડોદરામાં માત્ર ગણતરીની સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડે છે.બાકીની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ રીક્ષા,વાન કે પોતાના વાહન દ્વારા અવર જવર કરે છે અથવા વાલીઓ તેમને લેવા મૂકવા માટે આવે છે.સ્કૂલ સંચાલકો સ્કૂલ વર્ધીના વાહન ચાલકો સાથે કોઈ એમઓયુથી જોડાયેલા નથી અને તેમના પર સ્કૂલોનુ સીધુ નિયંત્રણ પણ નથી.
સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ આર સી પટેલે પત્રમાં વધુમાં કહ્યુ છે કે, સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ વર્ધીના વાહનો ચલાવનારા સાથે જાતે ફી નક્કી કરે છે અને ચૂકવે છે.કેટલીક સ્કૂલો સ્કૂલ વર્ધીના કયા વાહનમાં કયા વિદ્યાર્થીઓ આવે છે તેનો રેકોર્ડ તથા વાહન ચાલકનો રેકોર્ડ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખઈને રાખે છે પણ આ દરેક સ્કૂલની આંતરિક વ્યવસ્થા હોય છે.આમ ઘરથી સ્કૂલ સુધી તેમજ સ્કૂલથી ઘર સુધીની અવર જવર દરમિયાન કોઈ દુર્ઘટના બને તો તેના માટે શાળા સંચાલકોને જવાબદાર ઠેરવી શકાય નહીં.સ્કૂલ વર્ધીના વાહનોમાં વધારે બાળકોને બેસાડાયા છે, વાહનોમાં નાંખવામાં આવેલી ગેસ કે સીએનજી કિટ સલામત છે કે નહીં ..આ પ્રકારની બાબતો ચેક કરવાની જવાબદારી પોલીસ તંત્ર અને આરટીઓની છે પણ સરકારનુ શિક્ષણ વિભાગ આશ્ચર્યજનક રીતે શાળા સંચાલકોના માથે આ જવાબદારી કેમ ઢોળી રહ્યુ છે તે વાતનુ આશ્ચર્ય છે.