સ્કૂલો દ્વારા પ્રવાસનું આયોજન વેપલાના હેતુથી થાય છે, પ્રતિબંધ જરૂરી : પુર્વ વિપક્ષ નેતા
વડોદરા,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર
વડોદરાના હરણી લેકમાં ગુરૂવારે સ્કૂલના વિદ્યાર્થીઓની ટ્રીપનું આયોજન થયા પછી સર્જાયેલી દુર્ઘટનાના કારણે અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે. ત્યારે પ્રવાસનું આયોજન માત્ર વેપલો કરવા માટે જ સ્કૂલો દ્વારા થતું હોવાનું ફલિત થયું છે. તેને અટકાવવા ગવર્મેન્ટે પ્રતિબંધ મૂકવો જરૂરી બન્યો છે. કારણ અગાઉ અભ્યાસલક્ષી જગ્યા પર જ પ્રવાસનું આયોજન કરવામાં આવતું હતું.
શહેરના હરણી મોટનાથ મહાદેવ મંદિર નજીક આવેલા તળાવમાં વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઈઝ સ્કૂલના પ્રાથમિક વિભાગના બાળકોની પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્કૂલના બાળકો તેમજ શિક્ષકો બોટિંગ માટે તળાવમાં ગયા હતા અને કરુણાતિકા સર્જાઈ હતી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખાનગી સ્કૂલો માત્ર કમાવાના હેતુથી જ ટુરીસ્ટ પ્રેસ પર પ્રવાસનું આયોજન કરતી હોય છે. જો વિદ્યાર્થી પ્રવાસમાં ન આવે તો પ્રવાસની ફી ચૂકવવા માટે તેના વાલીઓ પર દબાણ કરવામાં આવતું હોય છે. પ્રવાસમાં જાઓ કે ન જાવ સ્કૂલ (ગોર) નું તારભાણુ ભરો એવી નીતિ અખતયાર થતી હોય છે. પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની પરવાનગી લેવાની હોય છે પરંતુ અધિકારીઓ સાથેની મિલી ભગતને કારણે આવી પરવાનગી લેવાનું શાળાના ટ્રસ્ટી અને સંચાલકો જરૂરી માનતા નથી. તેને કારણે નિર્દોષ પરિવારના ચિરાગ જતા હોય છે. ત્યારે ટુરિસ્ટ પ્લેસ પર થતા પ્રવાસો પર પ્રતિબંધ મૂકવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ઠોસ કાર્યવાહી કરે તેવી માંગણી પૂર્વ વિપક્ષ નેતાએ કરી છે.