શૈક્ષણિક પ્રવાસની મંજૂરી મેળવવા માટે મોટાભાગની સ્કૂલોના અખાડા
વડોદરાઃ દિવાળી વેકેશન બાદ શિયાળાની સિઝનમાં મોટાભાગની સ્કૂલો વિદ્યાર્થીઓ માટે પ્રવાસોનુ આયોજન કરતી હોય છે.જોકે આ માટેની જરુરી મંજૂરી લેવામાં સ્કૂલો દ્વારા અખાડા થતા હોવાથી વડોદરા ડીઈઓ કચેરી દ્વારા ફરી એક વખત સ્કૂલોને એક વિશેષ પરિપત્ર પાઠવીને મંજૂરી માટે જરુરી નિયમોનુ પાલન કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાકીય પ્રવાસો માટે ૨૦૧૯માં જરુરી નિયમો બનાવવામાં આવ્યા છે.જેના ભાગરુપે દરેક જિલ્લામાં સ્કૂલોએ ડીઈઓ કચેરીની મંજૂરી લેવાની હોય છે.વડોદરા ડીઈઓએ સ્કૂલોને પાઠવેલા પરિપત્રમાં કહ્યુ છે કે, મોટાભાગની સ્કૂલો શૈક્ષણિક પ્રવાસના આયોજનો માટે જરુરી દરખાસ્ત બહુ ટુંકા ગાળામાં કચેરી ખાતે રજૂ કરે છે અથવા તો પ્રવાસ પૂરો થયા બાદ દરખાસ્ત કચેરી સમક્ષ રજૂ કરવામાં આવે છએ.સાથે સાથે સ્કૂલો દ્વારા રજૂ કરાતી દરખાસ્તોમાં જરુરી નિયમોનુ પાલન પણ થયુ હોવાનુ દેખાતુ નથી.
ડીઈઓ કચેરી દ્વારા હવે સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે કે, રાજ્યની અંદરના કોઈ સ્થળે પ્રવાસનુ આયોજન થયુ હોય તો પ્રવાસ શરુ થવાની તારીખના ઓછામાં ઓછા પંદર દિવસ પહેલા પ્રવાસ માટેની દરખાસ્ત ડીઈઓ કચેરીને મળી જાય તે જોવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે.જો ગુજરાત બહાર પ્રવાસ હોય તો કચેરીને એક મહિના પહેલા દરખાસ્ત મોકલી દેવાની રહેશે.પ્રવાસ માટેના ચેક લિસ્ટ સાથે તેના આધાર-પૂરાવા પણ સ્પષ્ટ રીતે વાંચી શકાય તે પ્રકારે મોકલવાના રહેશે.જો આધાર-પૂરાવા નહીં હોય તો સ્કૂલોના પ્રવાસને મંજૂરી આપવામાં નહીં આવે.સાથે સાથે જ્યાં સુધી દરખાસ્તને મંજૂરી ના મળે ત્યાં સુધી સ્કૂલો પ્રવાસનુ આયોજન નહીં કરી શકે.જો કોઈ સ્કૂલ આ સૂચનાનો ભંગ કરીને વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જશે તો તેની તમામ જવાબદારી સ્કૂલોની રહેશે.
સ્કૂલોના ચેક લિસ્ટમાં કઈ બાબતોનો સમાવેશ
પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા તેમજ તેમની યાદી
તમામ વિદ્યાર્થીઓના આઈડી
વાલીઓની લેખિત સંમતિ તથા તેમના સંપર્ક નંબર
પ્રવાસ આયોજનનો રુટ તેમજ ટાઈમ ટેબલ
સ્કૂલ મેનેજમેન્ટની મંજૂરી
વાહનનો પ્રકાર(રેલવે,બસ, વિમાન કે પછી ખાનગી વાહન)
ટ્રાવેલ્સનુ વાહન હોય તો વાહનની આરસી બૂક, પીયુસી, ડ્રાઈવર લાઈસન્સ તેમજ આધાર કાર્ડની નકલ
સ્થાનિક પોલીસને જાણ કરતો પત્ર
વાહનમાં આરટીઓની મંજૂરી પ્રમાણેની બેઠક વ્યવસ્થા