વિદ્યાર્થી ઘરેથી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને માન્ય રાખવા શાળાઓને આદેશ
ખાનગી સ્કૂલોની દાદાગીરીથી વાલીઓએ સ્વેટર ખરીદી લીધા બાદ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર કરવાનું ડહાપણ સુઝ્યુ
વડોદરા : દર વર્ષે શિયાળો આવે એટલે ખાનગી શાળાઓ વાલીઓને ચોક્કસ બ્રાન્ડના અને ચોક્કસ કલરના સ્વેટર, મોજા વગેરે ખરીદી કરવા માટે મજબુર કરીને તેમાંથી પણ લાખો રૃપિયા કમિશનની કમાણી કરી લે છે તેની જાણકારી સરકારને હોવા છતા પણ સરકાર કડક કાયદો લાવવાના બદલે દર વર્ષે પરિપત્રો અને સૂચનાઓના સૂરસૂરીયા જાહેર કરીને વાલીઓ અને પ્રજા સાથે છેતરપિંડી કરી રહી છે. આ બાબત આ વર્ષે ફરીથી રિપીટ થઇ છે.
ઠંડીની શરૃઆત થઇ ગઇ તેને બે સપ્તાહનો સમય થઇ ગયો છે.૧૮ નવેમ્બરથી શાળાઓમાં દિવાળી વેકેશન પછીનું સત્ર શરૃ થઇ ગયુ છે. સત્ર શરૃ થતાં જ શાળાઓએ વાલીઓને ચોક્કસ બ્રાન્ડ અને ચોક્કસ કલરના સ્વેટર, મોજા ખરીદવા માટેના કડક સુચનાઓ આપી દીધી હતી. રાજ્ય સરકારે આ અંગે શાળાઓને સૂચના આપીને કહ્યું પણ હતું કે શાળાઓએ ચોક્કસ પ્રકારના સ્વેટર માટે આગ્રહ રાખવો નહી. તેમ છતાં સરકારની સૂચનાને કચરાપેટીમાં ફેંકીને ખાનગી શાળાઓએ મનમાની ચલાવી છે.
આ મામલે ભારે હોબાળો પણ થયો છે તેમ છતાં બાળકો સાથે શાળા સંચાલકો ભેદભાવભર્યુ વર્તન ના કરે તેવી બીકથી વાલીઓએ શાળાઓની સૂચના પ્રમાણેના સ્વેટરો ખરીદી લીધા છે. હવે રહી રહીને જિલ્લા શિક્ષણાધિકારીને થયુ કે વાલીઓના હિતમાં કઇક કરવુ જોઇએ એટલે ૨૫ નવેમ્બર ૨૦૨૪, સોમવારે સરકારી, બિન સરકારી, અનુદાનિત, ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જોગ પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવા. જો શાળાના ગણવેશમાં સ્વેટર હોય તો અમુક ચોક્કસ દુકાનેથી ખરીદવા દબાણ ન કરવામાં આવે અન્યથા શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.