ગરમીના પ્રકોપ વચ્ચે સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ, વિદ્યાર્થીઓની કફોડી હાલત
વડોદરાઃ ઉનાળુ વેકેશન પૂરુ થયા બાદ ફરી એક વખત વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો.જોકે કાળઝાળ ગરમી હોવા છતા સરકારે વેકેશન નહીં લંબાવ્યુ હોવાથી વાલીઓમાં તેને લઈને રોષ પણ જોવા મળ્યો હતો.
ચોમાસાના આગમનની આગાહીઓ વચ્ચે પણ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે આજે પહેલા જ દિવસથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ગરમીના કારણે હેરાન પરેશાન થયા હતા.નાના બાળકોથી માંડીને ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પણ હાલત ગરમીમાં ખરાબ થઈ હતી.વિદ્યાર્થીઓએ ઘરે જઈને ડિહાઈડ્રેશનની પણ ફરિયાદો કરી હતી.
મોટાભાગની સ્કૂલોમાં માત્ર પંખાઓ છે અને તે પણ દરેક વર્ગમાં સરેરાશ ૬૦ જેટલા વિદ્યાર્થીઓ બેસતા હોય છે.સ્કૂલોમાં ઘણા વર્ગો એવા હોય છે જ્યાં બારીઓના અભાવે હવાની અવર જવરની પણ જગ્યા નથી હોતી.આ સંજોગોમાં વિદ્યાર્થીઓને ભઠ્ઠીમાં બેઠા હોય તેવો પણ અનુભવ થયો હતો.
બાળકોને સ્કૂલે લેવા-મૂકવા માટે આવેલા વાલીઓમાં પણ શિક્ષણ વિભાગે એક સપ્તાહ સુધી તો વેકેશન લંબાવવુ જોઈતુ હતુ તેવી લાગણી જોવા મળી હતી. વાલીઓનુ કહેવુ હતુ કે, ગરમીના કારણે બાળકોની તબિયતની ચિંતા રહે છે.કમસેકમ તંત્રે જ્યાં સુધી ચોમાસાનુ આગમન ના થાય ત્યાં સુધી બપોરની પાળીની જગ્યાએ માત્ર સવારની પાળીમાં શિક્ષણ આપવા માટે સ્કૂલોને આદેશ આપવો જોઈએ.