Get The App

સરકારના નવા નિયમો બાદ મોટાભાગની સ્કૂલોએ પ્રવાસે લઈ જવાનું માંડી વાળ્યું

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
સરકારના નવા નિયમો બાદ મોટાભાગની સ્કૂલોએ પ્રવાસે લઈ જવાનું માંડી વાળ્યું 1 - image

વડોદરાઃ સ્કૂલો દ્વારા યોજાતા શૈક્ષણિક  પ્રવાસો માટેની ગાઈડ લાઈન જાહેર થયા બાદ વડોદરાની મોટાભાગની સ્કૂલોએ  વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવાનું માંડી વાળ્યું છે.

સામાન્ય રીતે દિવાળી વેકેશન બાદ ડિસેમ્બર મહિનામાં સ્કૂલો દ્વારા  વિદ્યાર્થીઓને બહારગામના કે અન્ય રાજ્યના પ્રવાસે પણ લઈ જવાતા હોય છે.જોકે ૧૦ મહિના પહેલા હરણી લેક ઝોનમાં સર્જાયેલી બોટ હોનારતમાં શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ૧૨ બાળકોએ અને ૨શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા હતા.જેની અસર હજી પણ દેખાઈ રહી છે.આ દુર્ઘટનાને લોકો પણ ભુલ્યા નહીં હોવાથી સ્કૂલો એમ પણ પ્રવાસનું આયોજન કરતા ખચકાઈ રહી છે.

શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ આર સી પટેલ કહે છે કે, નવી ગાઈડ લાઈનનું પાલન કરવું અઘરુ કામ છે.ઉપરાંત સ્કૂલો પણ હવે કોઈ જોખમ લેવા માંગતી નથી.નવી ગાઈડલાઈનમાં પોલીસને અને આરટીઓને જાણ કરવાની પણ જોગવાઈઓ છે.આ સંજોગોમાં શહેરની ભાગ્યે જ કોઈ સ્કૂલે આ વર્ષે પ્રવાસ યોજવાની હિલચાલ શરુ કરી છે.

સરકારના નવા પરિપત્ર પ્રમાણે તો સ્કૂલોએ મુખ્યત્વે ૧૬ પ્રકારની બાબતોનું ધ્યાન રાખવાનું  છે અને આ તમામ નિયમોનું પાલન  કર્યા બાદ જ સ્કૂલોને પ્રવાસની મંજૂરી મળશે.શહેરની એક સ્કૂલના આચાર્ય પરેશભાઈ શાહના કહેવા પ્રમાણે સ્કૂલ પ્રવાસમાં ઘણા વિદ્યાર્થીઓ  છેલ્લી ઘડીએ પણ જોડાતા હોય છે.સરકારે જે નવા નિયમો બનાવ્યા છે તે પ્રમાણે તો  સ્કૂલોએ એક મહિના પહેલાથી પ્રવાસનું આયોજન કરવુ પડે તેમ છે.આમ ડિસેમ્બરમાં સ્કૂલો માટે પ્રવાસ યોજવા મુશ્કેલ છે અને જાન્યુઆરીમાં સ્કૂલોમાં બીજી કસોટી લેવાશે.આ સંજોગોમાં આ  વર્ષે તો ભાગ્યે જ કોઈ સ્કૂલ વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવાનું વિચારશે.

પ્રવાસ માટે સ્કૂલોએ શું ધ્યાનમાં લેવું પડશે

રાજ્ય બહાર પ્રવાસ હોય તો પોલીસ કમિશનર અને વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગની મંજૂરી

પ્રવાસે જનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની તમામ જાણકારી તથા સંમતિપત્રો

પ્રવાસ માટે જે સ્થળોની મુલાકાત લેવની છે તેની યાદી

પ્રવાસ પહેલા શાળામાં વાલીઓની બેઠક બાદ થયેલો ઠરાવ

પ્રવાસ માટેના વાહનોનો પ્રકાર, વાહનની આરસી બૂક, પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ, વીમો

પોલીસ સ્ટેશનને અને આરટીઓને જાણ કર્યાનો પૂરાવો,

વાહન ચલાવનારનું લાઈસન્સ, આધાર કર્ડ જેવા દસ્તાવેજો, વાહનમાં ફાયર સેફટીનુ ઉપલબ્ધતાનુ સર્ટિફિકેટ

ચિંતા ટળી, ઘણા ખરા વાલીઓ ખુશ

પ્રવાસનું આયોજન નહીં થવાથી ઘણા ખરા વાલીઓ ખુશ છે.અગાઉ પ્રવાસનું આયોજન થતું હતું ત્યારે કેટલીક સ્કૂલો બાળકોને મોકલવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની પણ ચર્ચા હતી.ઉપરાંત વાલીઓની ઈચ્છા ના હોય પણ બાળકોની જીદ સામે વાલીઓ અનિચ્છાએ પણ સંમતિ આપતા હતા.હવે પ્રવાસનું આયોજન જ નહીં થવાનું હોવાથી વાલીઓની ચિંતા ટળી ગઈ છે.


Google NewsGoogle News