શિયાળો આવતા જ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પર ચોક્કસ પ્રકારના સ્વેટર ખરીદવા માટે દબાણ
વડોદરાઃ દિવાળી વેકેશન પૂરુ થયા બાદ સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને હવે શિયાળાની સિઝન પણ આવી ચૂકી છે ત્યારે શહેરની સંખ્યાબંધ સ્કૂલોમાં ચોક્કસ પ્રકારનુ જ સ્વેટર પહેરવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર શાળા સંચાલકો દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠવા માંડી છે.
શિક્ષણ વિભાગે પહેલા જ સ્પષ્ટતા કરેલી છે કે, સ્વેટર યુનિફોર્મનો હિસ્સો નથી અને વિદ્યાર્થીઓને સ્કૂલો ચોક્કસ પ્રકારનું સ્વેટર પહેરવા માટે ફરજ પાડી શકે નહીં.આમ છતા સ્કૂલ સંચાલકો શિક્ષણ વિભાગના નિયમનો ઉલ્લંઘન કરવા માંડયા છે.વડોદરા વાલી મંડળનો આક્ષેપ છે કે, શહેરની જીપીએસ સ્કૂલ સહિતની કેટલીક સ્કૂલો વિદ્યાર્થીઓ અને વાલીઓને પરિપત્ર પાઠવીને સ્કૂલમાંથી જ સ્વેટર ખરીદવા માટે ફરજ પાડી રહી છે.
વાલી મંડળનું કહેવું છે કે, તાજેતરમાં જ અમદાવાદ ડીઈઓ દ્વારા આ સંદર્ભમાં એક પરિપત્ર કરીને સ્કૂલોને સ્વેટર માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર દબાણ નહીં કરવા માટે તાકીદ કરી છે અને બીજી તરફ વડોદરા ડીઈઓ દ્વારા અત્યાર સુધી આવો કોઈ પરિપત્ર નહીં કરાયો હોવાના કારણે વડોદરામાં સ્કૂલ સંચાલકોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગે છે.વડોદરા ડીઈઓ આવી સ્કૂલો સામે કાર્યવાહી કરશે કે કેમ તે પણ એક સવાલ છે.
ઉલ્લેખનીય છે કે, ઘણી સ્કૂલોના સંચાલકો સ્વેટર માટે ચોક્કસ દુકાનો સાથે સાંઠ ગાંઠ કરે છે. વાલીઓને મોઘા ભાવે આ જ દુકાનોમાંથી સ્વેટર લેવા માટે ફરજ પાડવામાં આવે છે અને બદલામાં સ્કૂલોને કમિશન પેટે તગડી કમાણી થાય છે.