પહેલી ટર્મ પૂરી થવાના આરે પણ વડોદરા ઝોનની ૧૯૧ સ્કૂલોની ફી નક્કી કરવાની બાકી
વડોદરાઃ રાજય સરકારના શિક્ષણ વિભાગે એફઆરસી( ફી રેગ્યુલેશન કમિટિ)ના સભ્યોની નિમણૂકમાં કરેલા વિલંબના કારણે વડોદરા એફઆરસીના સભ્યો માટે અત્યારે કપરા ચઢાણ જેવી સ્થિતિ છે.
એફઆરસીએ ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨-૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષની ફી નક્કી કરવાની છે.એફઆરસીના સભ્યોની બે મહિના પહેલા થયેલી નિમણૂક બાદ અત્યારે કમિટિ સ્કૂલોની ફી નક્કી કરવા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે.આમ છતા ખેડા જિલ્લાની ૧૧, આણંદ જિલ્લાની ૪૪ અને વડોદરાની ૧૩૭ એમ કુલ ૧૯૨ કૂલોની ફી નક્કી કરવાની બાકી છે.બીજી તરફ સ્કૂલોમાં પહેલી ટર્મ પૂરી થવા આવી છે.
વડોદરાની ખાનગી સ્કૂલોએ તો ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ આપવાની કાર્યવાહી પણ આગામી દિવસોમાં શરુ કરી દીધી છે ત્યારે હજી સુધી વડોદરાની મોટાભાગની સ્કૂલોની વર્તમાન શૈક્ષણિક વર્ષની ફી પણ નક્કી થઈ શકી નથી.
સૂત્રોનું કહેવું છે કે, વડોદરા ઝોન હેઠળ આવતા છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદની તમામ સ્કૂલોની પ્રોવિઝનલ ફી એફઆરસીએ નક્કી કરી દીધી છે.ખેડા જિલ્લાની ૧૧ અને વડોદરાની ૨૫ સ્કૂલોની ફી પણ નક્કી કરી દેવાઈ છે.આમ ૭૫ સ્કૂલોની ફી નક્કી થઈ છે.
એક પણ સ્કૂલને પાંચ ટકાથી વધારે ફી વધારો આપવામાં આવ્યો નથી.કેટલીક સ્કૂલોની ફી વધારાની દરખાસ્ત મંજૂર નથી કરાઈ અને કેટલાક કિસ્સામાં સ્કૂલોએ રજૂ કરેલી દરખાસ્ત કરતા ફી ઘટાડવાનો નિર્ણય લેવાયો છે.મોટાભાગની સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી થઈ હોવાથી આ સ્કૂલો ઈચ્છે તો કમિટિ સમક્ષ અપીલ કરી શકે છે.