નમો લક્ષ્મી યોજનામાં રજિસ્ટ્રેશન માટે આચાર્યો અને શિક્ષકોને વાલીઓની ઘરે જવા સૂચના
વડોદરાઃ ધો.૯ થી ૧૨ની વિદ્યાર્થિનીઓને નાણાકીય સહાય આપવા માટેની નમો લક્ષ્મી યોજનામાં રજિસ્ટ્રેશન વધારવા માટે સ્કૂલોના આચાર્યો અને વાલીઓને હવે જરુર પડે તો વિદ્યાર્થિનીઓની ઘરે જવાનો આદેશ આપવામાં આવ્યો છે.જેને લઈને આચાર્યો તેમજ શિક્ષકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
નમો લક્ષ્મી યોજનામાં ૬ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીને ધો.૯ થી ૧૨ દરમિયાન કુલ મળીને ૫૦૦૦૦ રુપિયાની સહાય સરકાર કરવાની છે.આ રકમ માતાના એકાઉન્ટમાં જમા થવાની હોવાથી માતાનુ બેન્ક એકાઉન્ટ હોવુ જરુરી છે.
શૈક્ષણિક આલમમાંથી મળતી વિગતો પ્રમાણે તા.૨૬મીથી શરુ થનારા શાળા પ્રવેશોત્સવ પહેલા આ યોજના હેઠળ વિદ્યાર્થિનીઓના રજિસ્ટ્રેશન વધારવા માટે સ્કૂલોના આચાર્યો અને શિક્ષકો પર દબાણ કરવામાં આવી રહ્યુ છે.આ માટે વડોદરા ડીઈઓ દ્વારા આજે એક બેઠક બોલાવવામાં આવી હતી અને આવતીકાલે, રવિવારે પણ સ્કૂલો ચાલુ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે.સાથે સાથે આચાર્યો અને વાલીઓને આજે બેઠકમાં કહેવામાં આવ્યુ હતુ કે, જરુર પડે તો વાલીઓનો ઘરે જઈને સંપર્ક કરો.
જોકે આ પ્રકારના આદેશ સામે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.બેઠકમાં સામેલ એક આચાર્યે કહ્યુ હતુ કે, આ યોજના શરુઆતથી અમારા માથે નાંખવામાં આવી છે.શિક્ષકો વાલીઓને ફોન પણ કરે છે અને તેમનુ રજિસ્ટ્રેશન કરાવે છે પણ ઘણા વાલીઓ આવકનો દાખલો હજી નહીં મળ્યો હોવાથી અથવા તો બહારગામ હોવાથી કે પછી બીજા કારણસર રજિસ્ટ્રેશન નથી કરાવી શકયા તો અમારો તેમાં કોઈ વાંક નથી.ઉપરાંત જેના પર સ્કૂલોએ વિદ્યાર્થિનીઓનુ રજિસ્ટ્રેશન કરવાનુ છે તે પોર્ટલ પણ ધીમુ ચાલતુ હોવાથી રજિસ્ટ્રેશનમાં તકલીફ પડી રહી છે.
આ આચાર્યે કહ્યુ હતુ કે, અમે યોજના માટે કામ કરી રહ્યા હોવા છતા આમ છતા આજે ડીઈઓ કચેરીની બેઠકમાં ડીઈઓએ અમારી સાથે તોછડાઈથી વાત કરી હોય તેવુ ઘણાને લાગ્યુ હતુ.સાથે સાથે જો રજિસ્ટ્રેશનની સંખ્યા ના વધે તો શો કોઝ નોટિસ આપવાની પણ ધમકી આપી હતી. ડીઈઓ આ પ્રકારે શો કોઝ નોટિસ આપી શકે જ નહીં.