એફઆરસીમાં ત્રણ સભ્યોની જગ્યા ખાલી હોવાથી ૩૫૦ જેટલી સ્કૂલોની ફીની દરખાસ્તો અટવાઈ
વડોદરાઃ મધ્ય ગુજરાતના વડોદરા સહિતના સાત જિલ્લાઓની સ્કૂલોની ફી નક્કી કરવા માટેની એફઆરસી( ફી રેગ્યુલેશન કમિટિ)માં ત્રણ સભ્યોની જગ્યાઓ સપ્ટેમ્બર મહિનાથી ખાલી હોવાના કારણે સ્કૂલોની ફી નક્કી કરવાની પ્રક્રિયા અટકી પડી છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરા વાલી મંડળ દ્વારા આ જગ્યાઓ વહેલી તકે ભરવા માટે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.વાલી મંડળનુ કહેવુ છે કે, ફી નક્કી કરવાની કાર્યવાહી સભ્યોની નિમણૂંકના અભાવે અટકી ગઈ છે.જેના કારણે સ્કૂલો દ્વારા મન ફાવે તેવી રીતે વાલીઓ પાસે ફી વસૂલવામાં આવી રહી છે.
બીજી તરફ સૂત્રોએ કહ્યુ હતુ કે, વડોદરા સહિતના સાત જિલ્લાઓની લગભગ ૩૫૦ જેટલી સ્કૂલોની ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષની ફી નક્કી કરવાની છે.આ સ્કૂલોએ પોતાની દરખાસ્તો એફઆરસી સમક્ષ રજૂ તો કરી દીધી છે પણ સભ્યોની નિમણૂંકના અભાવે ફી નક્કી કરવાની કાર્યવાહી થઈ શકતી નથી.જોકે સરકારે નક્કી કરેલી મર્યાદામાં ફી લેતી સ્કૂલોના એફિડેવિટને મંજૂરી આપવામાં કોઈ વાંધો આવી રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, મધ્ય ગુજરાત ઝોનની એફઆરસી દ્વારા વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, આણંદ, ખેડા અને છોટાઉદેપુરની સ્કૂલોની ફી નક્કી કરવામાં આવતી હોય છે.જે સ્કૂલો મર્યાદા કરતા વધારે ફી લે છે તેમાંથી મોટાભાગની સ્કૂલો વડોદરા શહેરની છે.૨૦૧૭માં એફઆરસીની રચના કરનાર સરકાર હવે જોકે એફઆરસીની જ ઉપેક્ષા કરી રહી છે અને નિમણૂંકમાં અખાડા કરી રહી છે.