વડોદરા શહેર જિલ્લામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને હડકવા વિશે માહિતગાર કરાયા
- હડકાયા બનેલા 99% દર્દી મૃત્યુ પામે છે
- હડકવાનો વાયરસ શરીરમાં પહોંચ્યા પછી ગમે તેટલી સારવાર છતાં બે થી દસ દિવસમાં મોત નિશ્ચિત બને છે
વડોદરા,તા.29 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર
વિશ્વ હડકવા વિરોધી દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લાની 1962ની બે કરુણા એમ્બ્યુલન્સ અને 17 ફરતા પશુ દવાખાનાના પશુચિકિત્સકો અને તેમની ટીમ દ્વારા ધો. 8 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળામાં અને વડોદરા શહેરી વિસ્તારમાં પણ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા કોલેજ અને સ્કૂલમાં રેબિઝ (હડકવા) કેવી રીતે થાય છે, તેનો શું ઈલાજ હોઈ શકે, તેના લક્ષણો વગેરે વિશે માહિતગાર કર્યા હતા.
રેબિઝ સૌથી જૂના-પુરાણા રોગો પૈકીનો એક છે. આ રોગ મોટે ભાગે ગરમ લોહી ધરાવતા પ્રાણીઓમાં જોવા મળે છે, દા.ત. કુતરા, વરૂ, શિયાળ, બિલાડી, જંગલી બિલાડા વગેરે. હડકવાથી વિશ્વભરમાં દર વર્ષે ૫૫,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. જેમાના ૯૫% જેટલા મૃત્યુ ફક્ત એશિયા અને આફ્રિકામાં જ થાય છે. કુલ મૃતાંકના ૯૭% તો ફક્ત હડકાયા કુતરા કરડવાને પરિણામે જ હોય છે. હડકવાનો વાઈરસ (વિષાણુ) સામાન્ય રીતે હડકાયા પશુની લાળ અને જ્ઞાનતંતુમાં જોવા મળે છે. હડકવાના વિષાણુ મનુષ્યના શરીરમા પહોચ્યા પછી ચેતાતંત્રમાં દાખલ થાય છે,અને ત્યારબાદ તે મગજ સુધી પહોચે છે. વાઈરસ માનવ મગજની અંદરના ભાગમાં પહોચ્યા પછી દરદી હડકાયો બને છે. ત્યારબાદ ગમે તેટલી સારવાર કે સાર-સંભાળ છતાં પણ બે થી દસ દિવસમાં તેનું મોત નિશ્ચિત બને છે. હડકાયા બનેલા ૯૯% દરદી મૃત્યુ પામે છે. હડકવાની રસી લીધી હોય તો હડકવાના વિષાણુ મગજ સુધી પહોંચી શક્તા નથી અને પીડિત ઉગરી જાય છે. આ વર્ષે વર્લ્ડ રેબીઝ ડે 2022 ની થીમ" વન હેલ્થ ઝીરો ડેથ" રાખવામાં આવી છે. જેમાં વર્ષ 2030 સુધીમાં હડકવાના કારણે થતા માનવ મૃત્યુનો દર શૂન્ય કરવાનો લક્ષ્યાંક છે.