અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ હડપ કરવાનું કૌભાંડ
પાદરા તાલુકાના યુવાનના નામે ગાંધીનગરમાં પાંચ વર્ષ પહેલાં જ શિષ્યવૃત્તિ ચૂકવી દેવાઇ ઃ આધારકાર્ડનો ઉપયોગ કરી બારોબાર રકમ બેંક એકાઉન્ટમાં મેળવી લીધી
વડોદરા, તા.6 સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા અનુસૂચિત જાતિ (એસસી)ના વિદ્યાર્થીઓને અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મોટાપાયે કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. આધારકાર્ડના આધારે કોલેજ દ્વારા રજૂ થયેલી વિગતોના આધારે પાદરા તાલુકાના એક યુવાનના નામે બારોબાર ગાંધીનગર જિલ્લાની કોલેજના વિદ્યાર્થીને શિષ્યવૃત્તિની મોટી રકમ ઓનલાઇન બેંકમાં ચૂકવી દેવામાં આવતા હવે સાચા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મેળવવા માટે ભટકવું પડે છે.
આ અંગેની વિગત એવી છે કે પાદરા તાલુકાના ધાયજ ગામે વણકરવાસમાં તુલસીચોક ખાતે રહેતાં તેમજ એસસી જાતિના યુવાન પ્રતીક કનુભાઇ પરમારને એસએસસી બાદ આઇટીમાં અભ્યાસ કરવાનો હોવાથી તેઓ પ્રવેશ માટે વરણામા હાઇવે પરની ખાનગી કોલેજમાં જૂન-૨૦૨૩માં ગયા હતાં. તે વખતે કોલેજ તરફથી શિષ્યવૃત્તિ આપવા માટે વડોદરાની નર્મદાભવનમાં બીજા માળે આવેલી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ખાતેથી ફ્રીશીપ કાર્ડ કઢાવવાનું કહ્યું હતું.
કોલેજના સ્ટાફની સલાહ મુજબ પ્રતીક પરમારે નર્મદાભવન ખાતેની કચેરીમાં જઇને શિષ્યવૃત્તિ માટે ફ્રીશીપ કાર્ડ કાઢી આપવા માટે અરજી કરી હતી. આ વખતે કચેરીના સ્ટાફ દ્વારા કોમ્પ્યુટર પર પ્રતીક પરમારનો આધારકાર્ડ નંબર નાંખી આગળની કાર્યવાહી કરતાં જાણવા મળ્યું હતું કે પ્રતીક પરમારના નામનું અગાઉથી જ ફ્રીશીપ કાર્ડ તૈયાર કરેલું છે અને આ કાર્ડ ઘણા સમયથી તૈયાર થઇ ગયું છે તેમજ તેના આધારે શિષ્યવૃત્તિ પેટે મોટી રકમ પણ બેંક એકાઉન્ટમાં જમા થઇ ગઇ છે.
અત્યાર સુધી શિષ્યવૃત્તિ માટે કોઇ ફ્રીશીપ કાર્ડ કઢાવ્યું નથી તેમ છતાં પોતાની જાણ બહાર કોઇ વ્યક્તિએ શિષ્યવૃત્તિ પણ મેળવી લઇ તેનો ઉપયોગ કરી લીધો છે તે જાણી પ્રતીક પરમાર અચંબામાં પડી ગયેલ. પોતાની કારકિર્દી સાથે ચેડાં કોણે કર્યા તે અંગે પ્રતીકે તપાસ શરૃ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે ગાંધીનગર જિલ્લાની એફડી મુબીન ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દહેગામ, બહીયાલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા પ્રતીક પરમાર નામના ડમી વિદ્યાર્થીને વર્ષ ૨૦૧૮-૧૯માં અને ત્યારબાદ ત્રણ વર્ષ સુધી શિષ્યવૃત્તિની રકમ ચૂકવી દેવામાં આવી છે.
આ રકમ શ્રી કડી નાગરિક સહકારી બેંક લી.ની અમદાવાદમાં સીટીએમ શાખાના એકાઉન્ટમાં જમા થઇ છે. એક વર્ષની આશરે રૃા.૬૦ હજાર ફી પેટે ત્રણ વર્ષની ફી અને અન્ય સહાય મળી કુલ રૃા.૨ લાખ જેટલી રકમ પ્રતીક પરમારના નામે અન્ય કોઇએ બારોબાર ચાઉં કરી લીધી છે. આ અંગે પ્રતીક પરમારે પાદરા પોલીસને તપાસ માટે જાણ કરતાં પોલીસે નર્મદાભવન ખાતેની એસસી કચેરીમાંથી વિગતો મંગાવતા શિષ્યવૃત્તિની રકમ પ્રતીક પરમારના આધારકાર્ડનો ઉપયોગ કરીને અન્ય કોઇ વ્યક્તિએ પડાલી લીધી હોવાનું લેખિતમાં આપ્યું હતું.