યુપીની પંચાયતોમાં ઇલેક્ટ્રિક વાહનોના સપ્લાયના નામે ઠગાઇ કરનાર ઠગને રિમાન્ડ,બીજા પણ લોકો ફસાયા
વડોદરાઃ યુપીની પંચાયતોમાં ઇલેકટ્રિક વાહનો સપ્લાય કરવાના નામે ઠગાઇ કરવાના બનેલા બનાવમાં પકડાયેલા અમિત પારેખને પોલીસે ચાર દિવસના રિમાન્ડ પર લઇ એક ટીમને યુપી મોકલવા તજવીજ કરાઇ છે.
યુપીની ગ્રામ પંચાયતોમાં એક હજાર ઇલેકટ્રિક થ્રી વ્હીલ ટેમ્પાના સપ્લાય કરવા માટે ગ્રામ પંચાયતોને ખરીદીના સીધા અધિકાર આપવામાં આવ્યા હોવાની વાત કરી વડોદરાના ઇલેકટ્રિક વાહનના ઉત્પાદક જયેશ ઠક્કર પાસે રૃ.૪૦ લાખનું કમિશન નક્કી કરનાર ઠગ અમિત પારેખ રૃ.૪ લાખ લઇ ગયો હતો.
અમિત પારેખે ગ્રામ પંચાયતોના લેટર કોની પાસે છપાવ્યા તેમજ તેની ચુંગાલમાં કેટલા લોકો ફસાયા છે તેની તપાસ કરવા માટે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.પોલીસની એક ટીમ યુપીની પંચાયતોમાં વિગતો મેળવવા ઉપડનાર છે.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇએ કહ્યું હતું કે, અમિત પારેખની સાથે કેટલા લોકો સંકળાયેલા છે અને રૃપિયા કોને પહોંચાડયા છે તે મુદ્દે તપાસ કરવા માટે તેની કોલ્સ ડીટેલ મંગાવી છે.