વડોદરાના ગરબા આયોજક સાથે યુપી માં 1000 ઇલેકટ્રિક વાહનોના સપ્લાયના નામે ઠગાઇ કરનાર પકડાયો
યુપીમાં તપાસ કરાવતાં ગ્રામ પંચાયતોના આેર્ડરો બોગસ જણાઇ આવ્યા
વડોદરાઃ વડોદરામાં કોંગ્રેસમાંથી વિધાનસભા લડી ચૂકેલા અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા મા શક્તિ ગરબાના આયોજક જયેશ ઠક્કર સાથે યુપીની ગ્રામ પંચાયતોમાં થ્રી વ્હીલ ગાર્બેજ લોડર સપ્લાય કરવાના નામે એક ગઠિયો રૃ.૪ લાખ પડાવી ગયો હોવાનો બનાવ બનતાં ક્રાઇમ બ્રાન્ચે ગઠિયાને ઝડપી પાડયો છે.
સયાજીગંજમાં ડેરી ડેન સર્કલ પાસે ગાલવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા અને ઇલેકટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર બનાવી સપ્લાય કરતા જયેશ ઠક્કરે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૫મી જાન્યુઆરીએ મારો પરિચત મૌલિક ઓફિસે આવ્યો હતો અને અમિત પારેખ નામના યુવકનો પરિચય કરાવ્યો હતો.
અમિતે યુપીની ગ્રામ પંચાયતોમાં ૧૦૦૦ ઇલેકટ્રિક થ્રી વ્હીલ ગાર્બેજ લોડર સપ્લાય કરવાના હોવાની અને પંચાયતો પાસેથી એક જ દિવસમાં સીધો ઓર્ડર અપાવશે તેવી વાત કરી રૃ.૪૦ લાખ કમિશન નક્કી કર્યંુ હતું.જેથી મેં તેને ૪ લાખ આપ્યા હતા.પરંતુ ત્યારબાદ અમિતે વારંવાર બહાના બતાવ્યા હતા.
જયેશ ઠક્કરે કહ્યું છે કે,તા.૨૬મી ફેબુ્રઆરીએ ભેજાબાજ અમિતે અમેઠી પંચાયતનો સહિ-સિક્કાવાળો ઓર્ડર મોકલ્યો હતો.ત્યારબાદ તા.૨૯મીએ ૧૧ પંચાયતોના ઓર્ડર મોકલ્યા હતા.જેથી મને શંકા જતાં એક વ્યક્તિને મોકલી તપાસ કરાવતાં આ ઓર્ડર બોગસ હોવાનું જણાઇ આવ્યું હતું. સયાજીગંજ પોલીસે ગુનો નોંધતા ક્રાઇમ બ્રાન્ચે અમિત લાલજીભાઇ પારેખ(શ્રીજી વીલા,વીવા પાર્ટી પ્લોટ પાસે,ગોત્રી-સેવાસી કેનાલ રોડ, વડોદરા)ને ઝડપી પાડયો છે.