સયાજી હોસ્પિટલમાં ચોથા વર્ગના પૂર્વ કર્મચારી દ્વારા મેનેજરને ધમકી
કોન્ટ્રાક્ટ બદલાતા કર્મચારીને છૂટો કરવામાં આવતા તેની રિસ રાખી ઝપાઝપી
વડોદરા, સયાજી હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારી દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીના મેનેજરને ધમકી આપવામાં આવી છે. જે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એસએસજી હોસ્પિટલમાં નવા કોન્ટ્રાક્ટર આવતા જૂના કોન્ટ્રાક્ટરના કેટલાક લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. જે પૈકી સચિન રાજુભાઇ રાવળ ( રહે.સલાટવાડા) ને પણ છૂટો કરવામાં આવ્યો હતો. તેના કારણે નારાજ થયેલા સચિન રાવળે નવા કોન્ટ્રાક્ટરના મેનેજર ભાવિન રમેશભાઇ મકવાણા ( રહે. શિવાય બંગ્લોઝ, ગોરવા) ને ધમકી આપવામાં આવી હતી. તેમજ ઝપાઝપી પણ કરવામાં આવી હતી. જે અંગે મેનેજર દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. જે ફરિયાદ પોલીસે અરજી સ્વરૃપે લઈને જે સ્થળે ઘટના બની હતી તે સ્થળના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી. દરમિયાન ફરિયાદીએ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરતા રાવપુરા પોલીસે સચિન રાવળ સામે અટકાયતી પગલા ભરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.