બરોડા ડેરીના દૂધમાં ભેળસેળ પ્રકરણમાં સાવલી પોલીસે ગુનો દાખલ કર્યો
૮૨૨ લીટર દૂધમાંથી ૭૨ લીટર દૂધ કાઢી લઇ ભેળસેળ કરી હતી
સાવલી, સાવલીના કરચીયા રોડ પર બરોડા ડેરીમાં કોન્ટ્રાક્ટથી ચાલતા ટેમ્પામાંથી દૂધ ચોરી કરી પાણી ઉમેરવાના કૌભાંડમાં બરોડા ડેરીના સુપ્રિન્ટેન્ડન્ટે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક દૂધ મંડળીઓમાંથી દૂધ એકત્ર કરી બરોડા ડેરીના સ્ટોરેજ માં પહોંચાડવા ટેમ્પાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. બરોડા ડેરીના સુપ્રિન્ટેન્ડન્ટ સંદિપ શાહે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨જી એ બરોડા ડેરીના ટેમ્પો માં દૂધની અંદર ભેળસેળ કરી ગંદુ પાણી ઉમેરી ટેમ્પામાં અદલાબદલી કરીને દૂધમાં ભેળસેળ કરવામાં આવ્યું હતું. દૂધ સંપાદન વહન માટે ટેમ્પાને ડેરીની શરતોના આધીન વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. તે શરતોનું ઉલ્લંઘન કરી બરોડા ડેરીને જાણ કર્યા સિવાય મંજૂરી મેળવ્યા સિવાય તે વાહનમાં ડ્રાઇવર હિતેશ વિક્રમસિંહ રાઠોડ અને કંડકટર શેરપુરા, જુનાસમલાયા, કરચિયા વગેરે દૂધ મંડળીઓનું ૮૨૨ લીટર દૂધ ભરી બરોડા ડેરીને સુભેલાવ ગામની સીમમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ પર લઈ જતા હતા. આ દરમિયાન રસ્તાઓમાં તેઓએ દૂધ ભરેલ કેન ૧૯ જેમાં ૮૨૨ લીટર દૂધ જેમાંથી તેઓએ ૭૨ લીટર દૂધ જે એક લીટર દૂધ આશરે ૬૦ રૃપિયા લેખે રૃપિયા ૪,૩૨૦ નું દૂધ કાઢી લઈ તેમાં પાણી ઉમેરી દૂધ ભરેલા કેનોમાં ભેળસેળ કરી હતી.