સાવલી તાલુકાનું જમીન કૌભાંડ મુવાલની જમીનમાં બોગસ ખેડૂત બનનાર મહિલા સહિત ત્રણ ઝડપાયા
ગણપતપુરાની અભણ મહિલાને ખેડૂત બનાવવામાં કોણે રસ તે અંગે તપાસ ઃ ત્રણેના ત્રણ દિવસના રિમાન્ડ
વડોદરા, તા.25 સાવલી તાલુકાની જમીનોમાં બોગસ વારસાઇ કરીને ખેડૂત બનાવવાના ચકચારભર્યા કૌભાંડની ફરિયાદ બાદ પોલીસે ધરપકડનો દોર શરૃ કર્યો છે. મુવાલ ગામની જમીનમાં ખેડૂત બનેલા ગણપતપુરા ગામના બકુલાબેન તેમજ સોગંદનામામાં સાક્ષી તરીકે સહી કરનાર સાવલીના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સાવલી પોલીસ સ્ટેશનમાં સામંતપુરા અને મુવાલ ગામની ખેતીની જમીનોમાં માલિકોના બોગસ મરણ દાખલા રજૂ કરીને ગ્રામ પંચાયત તેમજ મહેસૂલી કચેરીઓમાં તેને રજૂ કરી સોગંદનામાના આધારે વારસાઇ કરીને બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડની સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
દરમિયાન બોગસ ખેડૂત બનાવવાના કેસમાં પોલીસે આજે ગણપતપુરા ગામમાં રહેતા બકુલાબેન પુંજાભાઇ સોલંકી તે અરવિંદભાઇ ઠાકોરની પત્ની તેમજ સાવલીમાં રહેતા પંકજ દિલીપભાઇ સરવૈયા અને સુધીરકુમાર રમણલાલ ભાવસારની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બકુલાબેન પોતે ખેડૂત નહી હોવાનું બહાર આવ્યું છે. તેઓ પોતે અભણ હોવાથી દસ્તાવેજોમાં અંગુઠા જાતે માર્યા હોવાની કબૂલાત પણ કરી હતી. પોલીસે આજે બકુલાબેન તેમજ તેમના સોગંદનામામાં સાક્ષી તરીકે સહી કરનાર સાવલીના બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે મુવાલ ગામે પુજાભાઇ લાલુભાઇ સોલંકીની માલિકીની જમીન હતી. તેઓ પોતે અપરિણીત હોવાથી જમીનની દેખરેખ તેમનો ભત્રીજો અરવિંદ મણીલાલ સોલંકી રાખતો હતો. પુજાભાઇ મૃત્યુ પામ્યા બાદ અરવિંદભાઇ ગ્રામ પંચાયતમાં મહેસૂલ ભરવા ગયા ત્યારે જમીનનું મહેસૂલ ભરાઇ ગયું હોવાની જાણ થઇ હતી. બાદમાં જમીનને લગતા રેકર્ડ મેળવતાં બકુલાબેનનું નામ વારસાઇમાં દાખલ થયું હોવાનું જાણવા મળ્યું હતું. બકુલાબેન પોતે ઠાકોર છે પરંતુ તેઓ પુજાભાઇ સોલંકીની પુત્રી છે તેવું બોગસ સોગંદનામું કર્યું હતું. બોગસ ખેડૂત બનાવવામાં કોણે ભૂમિકા ભજવી તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.