સરપંચના પુત્રનો ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર હુમલો : વિડીયો વાયરલ

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
સરપંચના પુત્રનો ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર હુમલો : વિડીયો વાયરલ 1 - image

વડોદરા,તા.27 માર્ચ 2024,બુધવાર

વડોદરા જિલ્લાના શિનોરમાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર સરપંચના પુત્રએ દંડા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ ઘરે રોજો ખોલવા જઇ રહ્યા હતા. દરમિયાન સરપંચ પુત્રએ લાકડી વડે તેના પર તુટી પડી હુમલો કર્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

શિનોર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં સરફરાજખાન નિયામતખાન નકુમ (રહે. સાધલી, નકુમ ફળિયુ, શિનોર) જણાવે છે કે, તેમના પત્ની અસ્માબા નકુમ છેલ્લા અઢી વર્ષથી સાધલી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે સેવા આપે છે. તેઓ નવી-જુની ગાડીના લે-વેચના ધંધા સાથે ગેરેજ ચલાવે છે. સાંજે પોણા સાત વાગ્યે તેઓ દુકાન બંધ કરીને બાઇક પર ઘરે રોજો ખોલવા માટે જાય છે. દરમિયાન સાધલી ગ્રામ પંચાયતના ચોરા પાસે બાઇક પહોંચતા જ ગામના સરપંચ મનિષાબેન જયેશભાઇ પટેલનો પુત્ર જૈમિન પટેલ પંચાયતના ઓટલા પર બેઠેલો હોય છે. બાઇક આવતા જોઇ હાથમાં લાકડી લઇ જૈમિન સરફરાજ ખાનને હાથમાં ઝાપટ મારી દે છે. જેથી તેઓ બાઇક પરથી પડી જાય છે. ત્યાર બાદ જૈમિન લાકડી વડે પગ, કમર, ખભા અને કાનના ભાગે મારમારી ત્યાંથી નાસી જાય છે. 

ઘટના બાદ સ્થાનિક એકત્ર થઇ જાય છે. સરફરાજ ખાનને સ્વસ્થ કરે છે અને તેમના પરિવારને જાણ કરે છે. જે બાદ ખાનગી વાહનમાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. ઉપરોક્ત મામલે શિનોર પોલીસ મથકમાં જૈમિન જયેશ પટેલ (રહે. ઉંડી શેરી, સાધલી, શિનોર) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક સુત્રો જણાવે છે કે, બંને વચ્ચે અગાઉ જુની અદાવતને લઇને વાતાવરણ તંગ હતું. જેનું ઉપરાણું લઇને ઘટના ઘટી હોવાનો અંદાજ છે. આ મામલે ફરિયાદ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે.


Google NewsGoogle News