દુષ્કર્મ કેસમાં બાલાસિનોરના સલિયાવાડીનો સરપંચ સસ્પેન્ડ
જિલ્લા વહિવટી વિભાગનો હુકમ
પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યાની મહિલાની ફરિયાદ બાદ સરપંચ જેલ હવાલે
બાલાસિનોર: બાલાસિનોર તાલુકાના સલિયાવાડી ગ્રામ પંચાયતના સરપંચને દુષ્કર્મના ગુનામાં જેલ હવાલે કરી દેવાયો છે. જે બાબતે વહીવટી વિભાગે સરપંચને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.
બાલાસિનોર તાલુકામાં આવેલી સલિયાવાડી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીખે ફરજ બજાવતા રાહુલ પ્રતાપસિંહ ઝાલાએ ગામની મહિલાને પ્રેમજાળમાં ફસાવી અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘરે બોલાવી અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવી હતી.
જે બાબતે ટાઉન પોલીસે સરપંચની અટકાય કરી જેલ હવાલે મોકલી દીધો છે. ત્યારે બાબતે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, સરપંચ રાહુલ ઝાલા દ્વારા ગંભીર પ્રકારનું નૈતિક અધઃ પતનનું કૃત્ય કરેલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થાય છે.
જેથી ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ અનુસાર સરપંચ રાહુલ પ્રતાપસિંહ ઝાલાને સરપંચ પદેથી તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.