કોન્સ્ટેબલની હત્યાની કોશિશના ગુનામાં સરપંચની ધરપકડ
એલસીબીના કોન્સ્ટેબલને જમીન પર પાડી દઇ ગળું દબાવી માથામાં ઘા કર્યા
વડોદરા,શહેર નજીક આવેલા શંકરપુરા ગામે દારૃની રેડ કરવા ગયેલા ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં સરપંચની ધરપકડ કરવામાં આવી છે.
ત્રણ દિવસ પહેલા શંકરપુરા ગામે રેડ કરવા ગયેલા કોન્સ્ટેબલ ભૂપતસિંહ પર સરપંચ મહેશ ગોહિલ અને તેના બે પુત્રો વિશાલ તેમજ મહેશે હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલને માર મારી જમીનમાં નીચે પાડી દઇ ગળું દબાવી દીધું હતું.
દરમિયાન એલસીબીના અન્ય જવાનો આવી જતા બૂટલેગરો ભૂપતસિંહને છોડીને નાસવા લાગેલ પોલીસે પીછો કરી સરપંચ મહેશ ગોહિલને ઝડપી પાડયો હતો. પોલીસે થાર જીપ, સ્કોપયો, ટાટા હેરિયર સહિત ત્રણ વાહનો અને દારૃનો જથ્થો મળી કુલ રૃા.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસે પ્રોહિબિશન અને હેડ કોન્સ્ટેબલની હત્યાની કોશિષના બે ગુના દાખલ કરી સરપંચ મહેશ ગોહિલને પ્રોહિબીશનના ગુનામાં પકડી રિમાન્ડ લીધા હતા. રિમાન્ડ પૂરા થતા પોલીસે હત્યાની કોશિશના ગુનામાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.