ભરૃચ નજીક નાંદ ગ્રામ પંચાયતનો સરપંચ સહિત બે લાંચ લેતા ઝડપાયા
ભરૃચ ડિસ્ટ્રિક્ટ બેંક પાસે એસીબીએ ટ્રેપ ગોઠવી રૃા.૨૨ હજારની લાંચ લેતા બેને ઝડપી પાડયા
ભરૃચ તા.૨૯ ભરૃચ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં આવેલી નાંદ ગામના સરપંચ વિકાસના કામોના બિલ પાસ કરવા માટે સરપંચ તેમજ તેનો મળતિયો ખાનગી વ્યક્તિ રૃા.૨૨ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતાં.
ભરૃચ નજીક નાંદ ગ્રામ પંચાયતના કામનો કોન્ટ્રાક્ટ મળતા કોન્ટ્રાક્ટરે કામ પૂર્ણ કરી તે કામના બિલો મંજુર થતા તલાટી કમ મંત્રીની ચેક પર સહીઓ થઈ ગઇ હતી અને સરપંચ રતિલાલ વિઠ્ઠલભાઈ વસાવાની સહીં બાકી હતી જેથી સહી કરાવવા માટે કોન્ટ્રાક્ટર અવાર-નવાર સરપંચ રતિલાલ વિઠ્ઠલભાઈ વસાવાને રૃબરૃ મળી સહી કરવા માટે કહેતો હતો પરંતુ સરપંચ સહી કરતો ન હતો.
દરમિયાન તાજેતરમાં કોન્ટ્રાક્ટરે ફરી સરપંચને મળી સહી કરવા વિનંતી કરતા સરપંચે ચેકમાં સહી કરવા માટે રૃ.૨૨,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. લાંચની આ રકમ સરપંચને આપવી ન હતી જેથી કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ આપતાં મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.જે.શિંદે તેમજ સ્ટાફના માણસોએ ભરૃચ સ્ટેશન નજીક ભરૃચ ડિસ્ટ્રિકટ બેંકના પાકગ પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
ભરૃચ તાલુકાના નાંદ ગામના સરપંચ રતિલાલ વિઠ્ઠલભાઈ વસાવા, તથા વચેટિયો લખુભાઈ છોટુભાઈ વસાવાએ કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી હતી અને બાદમાં સરપંચની હાજરીમાં જ લખુભાઇએ લાંચની રકમ લેતાં જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને ઝડપી પાડયા હતાં.