વડોદરાના શંકરપુરામાં સરપંચ અને તેના બે બુટલેગર પુત્રોનો પોલીસની હત્યાનો પ્રયાસ
પોલીસે મોડી રાત્રે રેડ કરી ત્રણ ગાડી અને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
વડોદરા,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર
વડોદરા નજીક આવેલા શંકરપુરા ગામે દારૂની રેડ કરવા ગયેલ જિલ્લાની ક્રાઈમ બ્રાન્ચના પોલીસના માણસો ઉપર ગામના સરપંચ અને બુટલેગર પુત્રોએ હુમલો કરી એક પોલીસના માણસને ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસે ત્રણ વાહનો અને દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ગઈ રાત્રે શંકરપુરા ગામના સરપંચ મહેશ માધવસિંહ ગોહિલના ઘર સામે કાળા રંગની મહિન્દ્રા થાર રાજસ્થાન પાસિંગની જીપ ઉભી છે તેમાં દારૂનો જથ્થો મંગાવીને અન્ય બે ગાડીઓમાં ભરી તે જથ્થો સગેવગે કરવાની તૈયારી ચાલે છે તેવી બાતમી એલસીબીના ભુપતસિંહને મળી હતી. આ બાતમીના આધારે ભૂપતસિંહે એલસીબીના અન્ય કોન્સ્ટેબલોને જાણ કરી હતી કે હું ત્યાં પહોંચું છું તમે પણ ત્યાં પહોંચો ભૂપતસિંહ ત્યાં પહોંચ્યા ત્યારે બુટલેગરોએ ભૂપતસિંહને માર મારી જમીનમાં નીચે પાડી દીધો હતો અને તેના ઉપર સરપંચ મહેશના બે પુત્રો વિશાલ અને અક્ષય ચડી બેસી અન્ય એક શખ્સ માથામાં માર મારતો હતો. જોકે એલસીબીના અન્ય માણસો આવી જતા બુટલેગરો ભુપતને છોડીને નાસવા લાગેલ પોલીસે પણ પીછો કરી સરપંચ મહેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય લોકો ભાગી ગયા હતા. પોલીસે થાર જીપ, સ્કોર્પિયો, ટાટા હેરિયર સહિત ત્રણ વાહનો અને દારૂનો જથ્થો મળી કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ અંગે પોલીસે પ્રોહિબિશન અને પોલીસની હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.