વડોદરામાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી બંધ સરદાર બાગ સ્વિમિંગ પૂલ એકાદ દિવસમાં ચાલુ થઈ જશે
Sardar Baug swimming pool in Vadodara : વડોદરામાં પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ સરદારબાગ સ્વિમિંગ પૂલ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ હવે એકાદ ચાલુ થઈ જાય તેવી પૂરી શક્યતા છે. બીજી બાજુ શહેરના પૂર્વ વિસ્તારમાં રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ મેન્ટેનન્સને લીધે છેલ્લા 3 મહિનાથી બંધ હતો, ત્યાં પાણીની તકલીફ ઊભી થયા બાદ ત્રણ દિવસ સુધી પાણીની 272 ટેન્કરો ઠાલવ્યા બાદ સ્વિમિંગ પૂલ ભરી દેવામાં આવ્યો છે. જે ચાર પાંચ દિવસમાં ચાલુ થઈ જાય તેમ લાગે છે. આ સ્વિમિંગ પૂલ ની કેપેસિટી 27 લાખ લિટરની છે. જેની સામે પાણી ફિલ્ટર કરવાની કેપેસિટી 6 લાખ લિટરની છે. હાલ ત્યાં સફાઈ અને પાણી ફિલ્ટર કરી ક્લોરીનેશન કર્યા બાદ ચાલુ કરવામાં આવશે. આ સ્વિમિંગ પૂલ ત્રણ મહિનાના મેન્ટેનન્સ બાદ 17 માર્ચની આસપાસ ચાલુ કરવાનો હતો પરંતુ પૂર્વ વિસ્તારમાં પાણીની તકલીફ શરૂ થતા આ સ્વિમિંગ પૂલ પાણીના વાંકે ચાલુ થઈ શક્યો ન હતો. બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનરે ઉનાળાની અને વેકેશનની સીઝનને ધ્યાનમાં રાખી સ્વિમિંગ પૂલ ચાલુ કરવા સૂચના આપતા નાલંદા ટાંકીથી પાણી મળી શકે તેમ ન હોય, તાત્કાલિક ટેન્કરો દોડાવવામાં આવ્યા હતા, અને ત્રણ દિવસ સુધી ટેન્કરોથી સ્વિમિંગ પૂલ ભરવાની કામગીરી કરવામાં આવી હતી. સ્વિમિંગ પૂલ માટે ટેન્કરો દોડાવવાનો મુદ્દો શહેરીજનોમાં ટીકાને પાત્ર બન્યો છે. લાલબાગ સ્વિમિંગ પૂલ પણ પાણીના વાંકે બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમાં 20 ટેન્કર પાણી નાખ્યા બાદ ટેન્કર થી પાણી આપવાનું બંધ કર્યું હતું ,પરંતુ લાલબાગ ટાંકીથી દંતેશ્વર જતી ફીડરલાઇન તોડીને સ્વિમિંગ પૂલ ભરવા પાઇપ જોડી હતી .આ કામગીરી બે-ત્રણ દિવસ ચાલુ રહી હતી. લાલબાગ સ્વિમિંગ પુલની ક્ષમતા 37 લાખ લિટરની છે, જ્યારે પાણી ફિલ્ટર કરવાની કેપેસિટી 6 લાખ લિટરની છે.
અહીં પણ ફિલ્ટરેશન અને ક્લોરીનેશન કર્યા બાદ બે ત્રણ દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે. હજુ પાંચેક દિવસ પહેલા જ મ્યુનિસિપલ કમિશનરે શહેરના ચારમાંથી ત્રણ સ્વિમિંગ પૂલ બંધ હોવાથી તે ચાલુ કરવા સૂચના આપી હતી. હાલ શહેરમાં એકમાત્ર કારેલીબાગ નો સ્વિમિંગ પૂલ ચાલુ છે. હવે બીજા ત્રણ ચાલુ થતા ઉનાળાની ગરમીમાં અને વેકેશનની સિઝનમાં તરવૈયાઓને સ્વિમિંગનો લાભ મળશે.