ચાર પાંચ વર્ષથી બંધ સરદાર બાગ સ્વિમિંગ પૂલ ટૂંક સમયમાં ચાલુ કરવા પ્રયાસ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનો સરદાર બાગ સ્વિમિંગપુલ છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ હાલતમાં હતો અને તેનું મોટાભાગનું રીપેરીંગ નું કામ પૂર્ણ થયું હોવાથી હવે આ સ્વિમિંગ પૂલ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે તેમ જાણવા મળ્યું છે . બીજી બાજુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ પણ હાલ બંધ હાલતમાં છે. છેલ્લા ત્રણ મહિનાથી આ સ્વિમિંગ પૂલ બંધ હતો. હજુ થોડા સમય પહેલાં મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ હજુ સુધી તે ચાલુ કરવામાં આવ્યો નથી. આ સ્વિમિંગ પૂલ ને આમ તો નાલંદા ટાંકીથી પાણી મળે છે, હાલ પૂર્વ વિસ્તારમાં પાણીની તકલીફ હોવાથી પાણી પણ મળતું નથી. જોકે આજથી પાણી આપવાની શરૂઆત થતાં હોજમાં પાણી સંપૂર્ણ ભરાતા તે પણ ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે .દરમિયાન સ્વિમિંગ પૂલમાં આવતા લોકોનું કહેવું છે કે હાલ ઉનાળાના ગરમીના અને વેકેશનના દિવસો છે .આ સમય દરમિયાન સ્વિમિંગ પૂલ ચાલુ થઈ જાય તો બાળકો, યુવાનો સ્વિમિંગ નો વિશેષ લાભ લઈ શકે અને શીખી પણ શકે .બીજી બાજુ સામાજિક કાર્યકરના કહેવા મુજબ હરણી બોટ કાંડ પછી બધાને સ્વિમિંગ શીખવામાં રસ પડ્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરના તમામ સ્વિમિંગ પૂલ ચાલુ કરી દેવા જોઈએ, જેથી લોકો શીખી પણ શકે. અગાઉ બેબી સ્વિમિંગ પૂલ ચાલુ કરવાની વાત હતી, પરંતુ તેમાં કોઈ પ્રગતિ થઈ હોય તેમ લાગતું નથી.
હાલ લાલબાગ સ્વિમિંગ પૂલ ચાલે છે, જ્યારે કારેલીબાગ સ્વિમિંગ પૂલ ચાલુ બંધ રહે છે, તે પણ વ્યવસ્થિત ચાલુ રાખવો જોઈએ એવી માંગણી તેમણે કરી છે. ગયા ફેબ્રુઆરીમાં ડેપ્યુટી મેયર અને વિભાગના અધિકારીઓએ સરદાર બાગ સ્વિમિંગ પૂલની મુલાકાત લઈ ચાલતી રીપેરીંગ કામગીરીનું અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે ઉનાળાના પ્રારંભ પહેલા સરદારબાગ સ્વિમિંગ પૂલ ચાલુ કરી દેવાશે. હવે કામગીરી પૂર્ણ થઈ હોવાથી આજે તેઓ શું સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવા જવાના હોવાનું જાણવા મળ્યું છે. સ્વિમિંગ પૂલમાં નવી ટાઇલ્સ ફીટ કરવી આરસીસી કામગીરી, ફિલ્ટરેશન વગેરે પ્રકારની કામગીરી કરવામાં આવી છે.