સાંકરદા જમીન મામલો : 8.22 કરોડના ચેક રિટર્નનો કેસ બીસીએ હાર્યું
કોર્ટે ફટકાર લગાવી ત્યારે બીસીએને ભાન થયુ કે મૂળ ફરિયાદ જ બિનસત્તાવાર હોદ્દેદારો દ્વારા નોંધાવવામાં આવી હતી
વડોદરા : બરોડા ક્રિકેટ એસોસિએશનની રૃ.૮.૨૨ કરોડના ચેક રિટર્ન કેસમાં નીચલી અદાલતમાં હાર થઇ છે. સાંકરદામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે જમીનનો સોદો કરાયો હતો. જે સોદો રદ્દ થતાં લેન્ડ બ્રોકરે આપેલો ચેક રિટર્ન થયો હતો. ૧૦ વર્ષથી ચાલી રહેલા આ કેસમાં આખરે ચુકાદો આવ્યો છે જો કે બીસીએ આ ઓર્ડરને ઉપલી અદાલતમાં પડકારશે.
આ કેસની વિગત એવી છે કે બરોડા ક્રિકેટ એસોસિએશને વર્ષ ૨૦૦૭માં સાંકરદા ખાતે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે ૬૩ એકર જમીનનો સોદો કરવામાં આવ્યો હતો. આ સોદો લેન્ડ બ્રોકર અરવિંદકુમાર જાની મારફતે કરાયો હતો. બીસીએ દ્વારા એવા કરાર કરવામાં આવ્યા હતા કે જમીનના કબજા સુધીની તમામ જવાબદારી અરિવંદ જાનીની રહેશે. આ પેટે બીસીએ દ્વારા રૃ.૪.૧૧ કરોડ ચુકવવામાં આવ્યા હતા. જો કે જમીનનું સંપાદન અને એન.એ.ની કામગીરી અટકી જતાં બીસીએ દ્વારા વર્ષ ૨૦૧૩માં સોદો રદ્દ કરવામાં આવ્યો હતો અને અરવિંદ જાની તથા બીસીએ વચ્ચે નવો એમઓયુ થયો હતો. જે મુજબ અરવિંદ જાનીએ વ્યાજ સાથે બીસીએને રૃ.૮.૨૨ કરોડ ચુકવવાનું નક્કી થયુ હતું. તે પેટે અરવિંદ જાનીએ આપેલા ચેક રિટર્ન થતાં બીસીએ દ્વારા ૧૧ જુલાઇ ૨૦૧૪ના રોજ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કાયદાના મેદાન ઉપર બીસીએની ટીમ ક્લિન બોલ્ડ