mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગાંધીનગર જિલ્લામાં સંજીવની અને ધનવંતરી રથ દોડાવાયા

Updated: Jan 17th, 2022

ગાંધીનગર જિલ્લામાં સંજીવની અને ધનવંતરી રથ દોડાવાયા 1 - image


આરોગ્યની સેવાને વધુ મજબુત કરવા ગાંધીનગર અને કલોલ તાલુકામાં બે-બે જ્યારે માણસા અને દહેગામમાં એક-એક રથ ફાળવવામાં આવ્યા

ગાંધીનગર: ગાંધીનગર શહેરી વિસ્તારમાં કોરોનાના કેસ વધવાની સાથે જ સંજીવની તથા ધનવંતરી રથ દ્વારા સોસાયટી સેક્ટરોમાં આરોગ્યની સેવા પહોંચાડવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે આરોગ્ય સેવાઓ પહોંચતી કરવામાં આવી રહી છે. છ ધનવંતરી તથા છ સંજીવની રથ જિલ્લામાં ફાળવવામાં આવ્યા છે. જ્યાં કેસ વધુ છે ત્યાં એટલે કે, ગાંધીનગર અને કલોલ તાલુકામાં બે-બે રથ દોડાવવામાં આવી રહ્યા છે.

કોરોનાની બીજી લહેર વખતે સંક્રમણ ખુબ જ આક્રમક અને ઘાતકરીતે વધ્યું હતું ત્યારે હોસ્પિટલમાં આરોગ્યની સેવાઓ ઓછી પડતી હતી તે વખતે સેક્ટરો, શેરીઓ, સોસાયટીઓ, વસાહતો, ઝુંપડપટ્ટીઓમાં આરોગ્યની સેવાઓ પહોંચાડવા માટે સંજીવની રથ દોડાવવામાં આવતા હતા. જેમાં મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ દ્વારા પોઝિટિવ દર્દીના ઘરે જઇને તેમને સારવાર આપવા ઉપરાંત તેમનું કાઉન્સલીગ કરવામાં આવતું હતું ત્યારે ધનવંતરી રથ ફેરવીને શેરીઓ તથા સોસાયટીઓમાં જઇને ત્યાં ઓપીડી પણ ફેરવવામાં આવી રહી છે. જ્યાં કેસ વધુ હોય ત્યાં આ રથ ફેરવીને ત્યાં ઓપીડી ચલાવવામાં આવે છે. ગાંધીનગર શહેર અને કોર્પોરેશન વિસ્તારમાં તો ધનવંતરી તથા સંજીવની રથ દોડવીને દર્દીઓને ઘરે તબીબી સેવા આપવામાં આવે છે. ત્યારે હવે ગાંધીનગર જિલ્લાના શહેરી તથા ગ્રામ્યવિસ્તારોમાં પણ આ પ્રકારે ધનવંતરી રથ અને સંજીવની રથ દોડાવવામાં આવી રહ્યા છે.સોમવારથી આ રથ ચલાવવામાં આવ્યા છે. જેમાં હાલ ગાંધીનગર અને કલોલમાં વધુ કેસ હોવાને કારણે આ બન્ને તાલુકાઓમાં સંજીવની તથા ધનવંતરી એમ બન્ને રથ બે-બે ફાળવવામાં આવ્યા છે. જ્યારે માણસા તથા કલોલમાં એક-એક રથ ફાળવવામાં આવ્યા છે.સંજીવની રથ દ્વારા પોઝિટિવ દર્દીના ઘરે જઇને તેમને સારવાર આપવામાં આવશે જ્યારે ઘનવંતરી રથ દ્વારા વિવિધ સોસાયટીઓ તથા વસાહતોમાં ઓપીડી ચલાવીને આરોગ્યની સેવાઓ પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા ટેસ્ટીંગ સેન્ટરો પણ વધારવામાં આવ્યા છે. 

Gujarat