Get The App

ડીપીએસની સ્કૂલ બસની અડફેટે રસ્તો ઓળંગતા સફાઈ કર્મચારીનું મોત

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
ડીપીએસની સ્કૂલ બસની અડફેટે રસ્તો ઓળંગતા સફાઈ કર્મચારીનું મોત 1 - image


ગાંધીનગર કોબા હાઈવે ઉપર કુડાસણ પાસે

પિતા-પુત્ર સર્વિસ રોડની સફાઈ કરવા માટે ગયા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના :બસ ચાલક સામે ગુનો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરથી કોબા જવાના હાઇવે માર્ગ ઉપર ગઈકાલે રસ્તો ઓળંગી રહેલા સફાઈ કર્મચારીને ડીપીએસની સ્કૂલ બસના ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓને કારણે તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ અકસ્માતની ઘટના સંદર્ભે તેમના પુત્રની ફરિયાદના આધારે પોલીસે બસના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક કોબા હાઇવે ઉપર વધુ એક અકસ્માતમાં રાહદારીનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સેક્ટર-૨૮ રંગમંચ ખાતે રહેતા અને મૂળ મહીસાગરના રાજુ નાથાભાઈ સેનવા અને તેમના પિતા નાથાભાઈ સેનવા રોડ સફાઈનું કામ કરતા હતા ગઈકાલે પિતા પુત્ર ગાંધીનગર કોબા હાઇવે ઉપર રાંદેસણ અને કુડાસણ તરફના સવસ રોડની સફાઈ કરવા માટે ગયા હતા.

આ દરમિયાન રાજુ રાંદેસણ તરફ સવસ રોડની સફાઈ કરતો હતો જ્યારે તેના પિતા નાથાભાઈ કુડાસણ તરફ સફાઈ કરતા હતા. સાંજના સમયે કામ પૂર્ણ થતા નાથાભાઈ અમદાવાદથી ગાંધીનગર તરફનો રોડ ક્રોસ કરીને સામે તરફ જવા માટે ઉભા હતા તે દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી દિલ્હી પબ્લિક સ્કૂલના બસ ચાલકે નાથાભાઈને જોરદાર ટક્કર મારી દીધી હતી અને બસની નીચે આવી ગયા હતા. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા સ્થળ ઉપર પહોંચી હતી પરંતુ તેમાં રહેલા તબીબ દ્વારા તપાસ કરવામાં આવતા નાથાભાઈનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ ઘટના સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા બસના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News