રેતી ખનને કારણે નદીઓમાં નાહવું જોખમી બન્યું, નાવડી ચાલુ હોત તો પોઇચામાં ડૂબેલાને મદદ મળી હોત
વડોદરાઃ નદીઓમાં રેતી ખનન વધી જતાં લોકો માટે નાહવું જોખમી બન્યું છે.જેને કારણે સતર્કતા નહિં જળવાય તો નદીઓમાં ડૂબવાના બનાવો વધે તેવી શક્યતા છે.
વડોદરા અને તેની આસપાસમાં ઓરસંગ,નર્મદા,મહીસાગર જેવી નદીઓના કિનારે મોટેપાયે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે.રેતી ઉલેચવા માટે નદીની વચ્ચે પંપ મૂકી મોટર વડે રેતી કાઢવામાં આવતી હોવાથી દૂર સુધી મોટા ખાડા પડી જતા હોય છે.
ગ્રામજનોનું માનવું છે કે,નદીમાં નાહવા માટે જે લોકો જાય છે તેમને ખાડાનો અંદાજ હોતો નથી અને તેને કારણે ડૂબવાના બનાવો બનતા હોય છે.જેથી આ અંગે ખાણ અને ખનીજ વિભાગે તપાસ કરવી જોઇએ.
સૌથી કપરી સ્થિતિ યાત્રાધામ નારેશ્વર ની આસપાસ જોવા મળી રહી છે.જ્યાં નદીમાં મોટા પુલ બનાવી મોટા ડમ્પરો મારફતે રેતી કાઢવામાં આવી રહી છે.જ્યારે,ચાંદોદ અને મહીસાગરમાંથી પાણી પુરુ પાડતા કૂવા નજીક પણ ખોદકામ કરવામાં આવતું હોવાથી લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.
કરનાળી-પોઇચામાં બોટ ચાલુ હોત તો ડૂબેલાઓને તત્કાળ મદદ મળી શકી હોત
નાવિકોએ અત્યાર સુધીમાં અનેક લોકોને બચાવ્યા છે,200 નાવડીઓ બંધ કરાવી છે
પોઇચા ખાતે ડૂબવાના બનેલા બનાવમાં જો નાવડીઓ ચાલુ હોત તો ડૂબેલાઓને મદદ મળી શકી હોત અને તેમના જીવ બચી શક્યા હોત તેમ મનાય છે.
હરણીમાં બનેલી બોટ દુર્ઘટના બાદ નર્મદા નદી તેમજ અન્ય સ્થળોએ બોટ બંધ કરાવી દેવામાં આવી છે.નર્મદા નદીમાં યાત્રાધામ ચાંદોદ અને કરનાળી ખાતે ૨૦૦ જેટલી બોટ નદીમાં જોવા મળતી હતી.જે બંધ થઇ જતાં નાવિકો બેરોજગાર થઇ ગયા છે.
બીજીતરફ નાવિકો દ્વારા જાનના જોખમે ડૂબતાઓને બચાવ્યા હોય તેવા અનેક કિસ્સા બન્યા છે.જેથી જો બોટ ચાલુ હોત તો પોઇચા ખાતે ડૂબેલાઓને સમયસર મદદ મળી શકી હોત અને તેમનો જીવ બચી શક્યો હોત.